GUJARAT : રાજ્યમાં આજે 1 મેં એ એક જ દિવસમાં ચાર ચાર મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરમાંથી એક અને છોટા ઉદેપુરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે. આ ચારેય મૃતકોની હત્યા થઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તો બીજી બાજુ વડોદરાના ડભોઇમાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે. 


સુરેન્દ્રનગરમાં દાટેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો 
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપરાળી રોડ પર મોરસલ ગામની સીમમાંથી દાટેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થોડા દિવસ પહેલા બોટાદ તાલુકાના નાના પાળીયાદ ગામના યુવકનું અપહરણ થયું હતું તેનો બહાર આવ્યું છે. આ કેસમાં ઝડપાયેલ બે શખ્સોને પોલીસે ધટના સ્થળે લાવી યુવકના મૃતદેહને  બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ફરિયાદના આધારે અપહરણના બન્ને આરોપીઓને ઝડપી પાડયા હતા અને હાલ હત્યા પાછળનું  કારણ જાણવા તપાસ શરૂ કરી છે. 


છોટા ઉદેપુરમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા
છોટા ઉદેપુરમાં સુખી કેનાલમાંથી બે દિવસમાં ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે. બે અજાણ્યા યુવક અને એક અજાણી યુવતીનો  નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે 30 એપ્રિલે લીંબાણી ગામની પાસે કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો, તો આજે 1 મેં એ વહેલી સવારે ભાનપુર ગામની કેનાલની ગેટ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો. તો આજે સવારે કાંટવા ગામની કેનાલમાંથી નિવસ્ત્ર અવસ્થામાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. 


બે દિવસમાં એક  યુવતી અને બે યુવકો મળી કુલ ત્રણ અજાણી વ્યક્તિઓનાં મૃતદેહ મળી આવતાં ઉચાપાણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ બનાવોમાં હત્યા કે આત્મહત્યા એ પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. 


ડભોઇમાં નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો 
વડોદરા જિલ્લાના ડ ભોઇ તાલુકાના કરનારી ગામે નર્મદા નદીમાં લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ગતરોજ ચૈત્રી અમાસને અનુલક્ષી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નમારીયા ગામનો યુવાન  નર્મદા સ્નાન વેળા નદીમાં ગરકાવ થયો હતો.  શોધખોળ દરમિયાન નદીમાં લાપતા યુવાન ભરત નગીનભાઈ બારીયાનો આજે મૃતદેહ મળી આવ્યો. ચાંદોદ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ ખસેડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.