પાલિતાણાઃ પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક પરિવારના સાત લોકોએ  6 વર્ષના દિકરાની નજર સામે જ તેની માતાને જીવતી સળગાવી દીધી હતી. જેના પર હુમલો કરાયો એ યુવતીએ પોતાના કૂતરાનું નામ પાડોશીની પત્નિના નામ પરથી રાખતાં થયેલા ઝઘડામાં  8 લોકોએ મહિલાના ઘરમાં ઘૂસી જીવતી સળગાવી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભોગ બનેલી મહિલાની હાલત અત્યંત ગંભીર છે.


પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા નીતાબેન જેન્તિભાઈ સરવૈયા (ઉ.વ.35)ની સોમવારે તેમના પાડોશમાં રહેતા ઘેલા આલગોતર, સુરા આલગોતર, રાજુ ગલાણી સહિત 8 લોકોએ સળગાવી હતી. આ લોકો બપોરે 1 વાગ્યાના અરસામાં તેમના ઘરે ઘૂસી ગયા હતા અને ઘરમાં રાખેલું કેરોસીન છાંટી સળગાવી દીધાં હતા.


આ કમનસીબ ઘટના સમયે ઘરમાં તેમના 6 વર્ષનો દિકરો નંદરાજ હાજર હતો. તેની નજર સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા નીતાબેનને પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આગની જ્વાળાઓએ તેમના શરીરના ગળા સુધીના ભાગને ચપેટમાં લઈ લીધું છે. સારવાર કરી રહેલા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમનું શરીર 80% દાઝી જતાં સ્થિતિ ગંભીર છે.


આ બંને પરિવાર વચ્ચે પાંચ મહિના પહેલાં મહિલાઓના મુદ્દે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આ ઝગડાનું સમાધાન પણ થઈ ગયું હતું. દરમિયાનમાં નીતાબેનનો પરિવારે જર્મન શેફર્ડ બ્રિડનું ગલુડિયું લઈ આવ્યાં  હતાં અને તેનું નામ તેમણે સોનું રાખ્યું હતું, પાડોશી સુરાભાઈની પત્નિનું નામ સોનું હતું તેથી નીતાબેને ગલુડિયાનું નામ સોનું નામ રાખ્યું હોવાનો આક્ષેપ કરીને આ પરિવારે આ હુમલો કર્યો હોવાનું મહિલા પરિવારજનોએ જણાવ્યું હતું.


આ ઘટનામાં પાલિતાણા પોલીસે તપાસ હાથ ધરી છે.  ભોગ બનનારાં નીતાબેન પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદી બની તેમના પાડોશમાં જ રહેતા પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નીતાબહેનને સંતાનામાં બે દિકરા સની તથા નંદરાજ તથા એક દિકરી રૂતિકા છે. બનાવ સમયે સૌથી નાનો દિકરો નંદરાજ સ્કુલેથી ઘરે જમવા આવ્યો હતો અને બાકીના સભ્યો બહાર હતા.