રાજકોટ: રાજકોટ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના ન્યારી ડેમ વિસ્તારમાં ઝાડી ઝાખરા નીચે છુપાવેલી અજાણ્યા શખ્સની લાશ મળી હતી. હવે આ હત્યાના કેસમાં પોલીસે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કાલાવડ રોડથી ન્યારી ડેમ તરફના રસ્તા પર લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાંથી કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી લાશ મળી આવી હતી. આ લાશ પરપ્રાંતીય શખ્સની હતી. પરપ્રાંતીય શખ્સે ઘટનાસ્થળ નજીક રહેતા ચોકીદારની 13 વર્ષની દિકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં સગીરાના પિતાએ આ શખ્સને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
સમગ્ર અહેવાલ અનુસાર, રાજકોટ શહેરના કાલાવડ રોડ ન્યારી ડેમ નજીક એક અજાણ્યા શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આસપાસમાં ભારે દુર્ગંધ આવતા ઝાડી-ઝાખરા નીચે લાશ છુપાવી દેવામાં આવી હોવાની રાહદારીએ જાણ કરી હતી. આ ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ તેમજ તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસે ઝાડી-ઝાખરા હટાવી આ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને હત્યાનો ભોગ બનનાર કોણ છે તે જાણવા તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક 45 વર્ષ આસપાસનો હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સ પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પરપ્રાંતીય શખ્સની જે સ્થળે હત્યા થઇ ત્યાં ભરત ઉર્ફે સુનિલ રાઠોડ ચોકીદારી કરે છે. ભરતને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ચાર સંતાનોને છોડી ભરતની પત્ની અગાઉ અન્ય સાથે ભાગી ગઇ હતી. ભરત તેના ચાર સંતાનો સાથે રહે છે. શનિવારે રાત્રે ભરતની 13 વર્ષની પુત્રી સૂતી હતી ત્યારે પરપ્રાંતીય શખ્સ ત્યાં આવ્યો હતો.
13 વર્ષની નિદ્રાધીન દિકરીના કપડાં એક શખ્સ ઉતારી રહ્યો હતો. પોતાની નજર સામે જ દિકરીની ઇજ્જત લૂંટાતી હોવાનું જોઇ ભરત ઉર્ફે સુનિલે નજીકમાં પડેલી કુહાડી ઉઠાવી કુહાડીનો ઊંધો ઘા તે શખ્સને માથામાં ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ ભરત ઉર્ફે સુનિલે લાશને તાડપત્રીમાં વીંટાળી દીધી હતી અને વરંડાની બાજુમાં આવેલા મેદાનમાં લાશ લઇ જઇ લાશ પર કપાસની સાંઠીઓ નાખી દઇ લાશ છુપાવી દીધી હતી.
હત્યાનો યુનિવર્સિટી પોલીસની ટીમે ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપી ભરત ઉર્ફે સુનિલને પણ પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલે જણાવ્યું હતું કે, મૃતક આશરે 38થી 40 વર્ષની ઉંમરનો છે. આરોપી ભરત ઉર્ફે સુનિલની પૂછપરછમાં મૃતક પરપ્રાંતીય હોવાનું અને બે દિવસથી જ તેનો પરિચય થયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
https://t.me/abpasmitaofficial