Prayagraj News: અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લગતા કેસની સુનાવણી કર્યા બાદ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિંદુ મેરેજ એક્ટ મુજબ જો પતિ-પત્ની જીવિત હોય અને છૂટાછેડા ન લેવામાં આવ્યા હોય તો બંનેમાંથી કોઈ પણ બીજા લગ્ન કરી શકે નહીં.


કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે કાયદા વિરુદ્ધના સંબંધોને કોર્ટનું સમર્થન ન મળી શકે. આ આકરી ટિપ્પણી સાથે હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી પરિણીત મહિલાની અરજીને ફગાવી દીધી છે. અરજી ફગાવી દેવાની સાથે કોર્ટે અરજદારોને 2,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો


કોર્ટે અરજી ફગાવી દીધી હતી


જસ્ટિસ રેનૂ અગ્રવાલે કાસગંજની એક પરિણીત મહિલા અને અન્યની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પરિણીત મહિલા તેના પતિને છૂટાછેડા આપ્યા વિના અન્ય કોઈની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આવા સંબંધોને માન્યતા આપવાથી સમાજમાં અરાજકતા વધશે અને દેશનું સામાજિક માળખું નાશ પામશે.


પરીણિતા અને લિવ-ઈન રિલેશનશિપમાં તેની સાથે રહેતા પ્રેમીએ સુરક્ષાની માંગને લઇને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બંને અરજદારો લિવ-ઈન પાર્ટનર છે. તેમણે કાસગંજ જિલ્લાના એસપી પાસે સુરક્ષા માંગી હતી. જ્યારે કોઈ સુનાવણી થઈ ન હતી ત્યારે આ અરજી દાખલ કરવામાં આવી હતી.


પરિણીત હોવા છતાં લિવ ઇન રિલેશનશિપ


સુનાવણી દરમિયાન એ હકીકત સામે આવી કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી મહિલા અને તેનો પ્રેમી બંને પહેલેથી જ પરિણીત હતા. બંનેએ પોતાના જીવનસાથીને છોડી દીધા છે અને માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. આ અરજીનો પ્રેમી યુવકની પત્નીએ પણ વિરોધ કર્યો હતો. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ પહેલાથી જ પરિણીત હોવાના પુરાવા પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.


કોર્ટમાં સુનાવણી દરમિયાન એ પણ સ્પષ્ટ થયું કે અરજદારોમાંથી કોઈએ પણ તેમના પતિ કે પત્નીથી છૂટાછેડા લીધા નથી. પરિણીત પિટિશનર બે બાળકોની માતા છે અને અન્ય પિટિશનર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. કોર્ટે તેને કાયદાની વિરૂદ્ધ માનીને રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો અને અરજી ફગાવી દીધી હતી.