Rajkot child kidnapping news today: રાજકોટ રેલવે સ્ટેશન પરથી એક હચમચાવી દેનારી અને દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. અહીં પ્લેટફોર્મ પર એક માતા પોતાના મોબાઈલમાં એટલી હદે મશગૂલ હતી કે તેની નજર ચૂકવીને 3 શખ્સો તેની 1.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે, રેલવે પોલીસની ત્વરિત કાર્યવાહી અને દ્વારકા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની મદદથી ગણતરીની કલાકોમાં જ બાળકીને દ્વારકાની એક હોટલમાંથી હેમખેમ મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે ગોમટા ગામના ભાઈ બહેન સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને બાળકીની માતાને પણ સાવચેત રહેવા કડક તાકીદ કરી છે.

Continues below advertisement


ઘટનાની વિગત: મોબાઈલની લત બની મુસીબત


આજના સમયમાં મોબાઈલનું વળગણ કઈ હદે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેનો જીવતો જાગતો પુરાવો રાજકોટમાં જોવા મળ્યો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર એક મહિલા પોતાના પરિવાર સાથે હતી, ત્યારે તે મોબાઈલમાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવીને ત્યાં હાજર ત્રણ અજાણ્યા ઈસમોએ તેની 1.5 વર્ષની દીકરીને ઉઠાવી લીધી હતી. જ્યારે માતાનું ધ્યાન મોબાઈલમાંથી હટ્યું ત્યારે બાળકી ગાયબ હોવાનું માલૂમ પડતાં સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી.


દ્વારકા LCB અને રેલવે પોલીસનું જોઈન્ટ ઓપરેશન


બાળકીના અપહરણની જાણ થતાં જ રાજકોટ રેલવે પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. તપાસ દરમિયાન અને CCTV ફૂટેજના આધારે પોલીસને બાતમી મળી હતી કે અપહરણકારો બાળકીને લઈને દ્વારકા તરફ ભાગ્યા છે. રાજકોટ રેલવે પોલીસે તુરંત દ્વારકા LCB નો સંપર્ક કર્યો હતો. બાતમીના આધારે દ્વારકા LCB ની ટીમે શહેરની એક સ્થાનિક હોટલમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી ત્રણેય આરોપીઓ બાળકી સાથે મળી આવ્યા હતા.


ગોમટાના ભાઈ બહેન નીકળ્યા આરોપી


પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા 3 આરોપીઓ પૈકી બે સગા ભાઈ બહેન છે અને તેઓ ગોમટા ગામના વતની છે. દ્વારકા LCB એ ગણતરીની કલાકોમાં જ આ ઓપરેશન પાર પાડીને બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે ત્રણેય આરોપીઓને રાજકોટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા છે.


પોલીસે માતાને કરી 'કડક તાકીદ'


બાળકી હેમખેમ મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો, પરંતુ પોલીસે આ ઘટનામાં માતાની બેદરકારીને ગંભીરતાથી લીધી હતી. રેલવે પોલીસે બાળકીની માતાને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો અને ભવિષ્યમાં જાહેર સ્થળો પર મોબાઈલમાં મશગૂલ રહેવાને બદલે બાળકની સુરક્ષા પર ધ્યાન આપવા તાકીદ કરી હતી. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સોએ બાળકીનું અપહરણ કયા ઈરાદાથી કર્યું હતું.