રાજકોટઃ શહેરમાં ત્રણ દિવસમાં પૈસાદાર લોકોને મજા કરવાની લાલચ આપીને હનીટ્રેપમાં ફસાવવાની બીજી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મોરબીના બે યુવાન બિઝનેસમેનને યુવતી સાથે મજા કરવા જવી ભારે પડી ગઈ છે. બંને યુવકોએ મોબાઇલમાં યુવતીનો ફોટો જોયા પછી 10 હજાર રૂપિયામાં એક રાત મજા માણવાનું નક્કી કર્યું હતું. તેમજ બંને તેને લેવા માટે યુવતીએ બોલાવ્યા ત્યાં જતાં તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, મોરબીમાં કેમિકલનું કામ કરતાં બે યુવાન બિઝનેસમેનને દિવ્યા નામની યુવતીએ ફેસબૂક પર યુવતીઓ સાથે મજા કરવા માટેની ઓફર કરી હતી. આ માટે તેણે એક રાતના 15 હજાર રૂપિયા કહ્યા હતા. જોકે, 10 હજાર રૂપિયામાં વાત પાક્કી થતાં યુવતીએ બિઝનેસમેનના વોટ્સએપ પર છોકરીઓના ફોટા મોકલ્યા હતા. જેમાંથી એક યુવતીને યુવકોએ પસંદ કરી હતી. તેમજ 10 હજાર રૂપિયામાં એક નાઇટ નક્કી કરવામાં આવી હતી.

આ પછી બંને યુવતીને લેવા માટે રાજકોટ કાર લઈને આવ્યા હતા, જેમને સોદો કરનાર યુવતી કારમાં બેસીને બેડી ફાટકની આગળ કાચા રસ્તે લઈ ગઈ હતી. અહીં પહેલાથી પ્લાનિંગ કર્યા પ્રમાણે યુવતીનો પતિ સહિત બીજા ત્રણ લોકો હાજર હતા. બંને યુવકો ત્યાં પહોંચતા જ આ લોકોએ બંનેને ફટકાર્યા હતા અને છરી બતાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી.

આ પછી તેમના ખિસ્સામાં 6500 રૂપિયા રોકડા કાઢી લીધા હતા. એટલું જ નહીં સમાધાન માટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ માટે એકને બંધક બનાવી બીજાને પૈસાની વ્યવસ્થા કરવા માટે મોકલ્યો હતો. તેમજ એકના એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપડાવ્યા હતા. બીજી તરફ છૂટેલો યુવકે સમયસૂચકતા વાપરી પોલીસને બોલાવી લેતા કુવાડવા પોલીસે બે આરોપીને પકડી પાડ્યા છે. અગાઉ પણ આ પ્રકારના ગુનામાં આ લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

કુવાડવા પોલીસે વિજય ગરચર, વાણીયાવાડીની દિવ્યા મકવાણા, તેના પતિ ગુણવંત મકવાના અને અશોક કોળી સામે ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે વિજય બાબુભાઈ ગરચર અને ગુણવંત રાજુભાઈ મકવાણાને પકડી પાડ્યા છે. બંનેના કોરોના રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.