સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે સહમતિથી બાંધવામા આવેલા સંબંધો ‘બગડ્યા’ પછી બળાત્કારનો કેસ નોંધવો એ એક ‘ચિંતાજનક ટ્રેડ’ છે. કોર્ટે કહ્યું હતું કે મહિલા સાથી તરફથી વિરોધ અથવા લગ્નની માંગ કર્યા વિના કપલ્સ વચ્ચે લાંબા સમય સુધી શારીરિક સંબંધો લગ્નની લાલચના બદલે 'સહમતિથી બાંધવામાં આવેલા સંબંધ'ના સંકેત આપે છે .
જસ્ટિસ બીવી નાગરત્ના અને એન કોટિસ્વર સિહની બેન્ચ એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા જેમાં એક મહિલા દ્વારા પુરુષ વિરુદ્ધ રિલેશનશીપ ખત્મ થયા બાદ દાખલ કરવામાં આવેલી બળાત્કારની એફઆઇઆરને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.
કોર્ટે ચિંતા વ્યક્ત કરી
બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, કોર્ટે કહ્યું હતું કે, 'આ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલા મોટી સંખ્યામાં કેસ પરથી તે સ્પષ્ટ થાય છે કે એક ચિંતાજનક વલણ છે કે જ્યારે લાંબા ગાળા સુધી સહમતિથી બાંધવામાં આવેલા સંબંધોમાં તણાવ આવી જાય છે ત્યારે કાયદાનો આશરો લઇને તેને ગુનાહિત બનાવવાનો પ્રયાસ કરાયો હતો.
કોર્ટે શું કહ્યું
બેન્ચે સહમતિથી બાંધવામાં આવેલા સંબંધો અને લગ્નની લાલચ આપીને બાંધવામાં આવેલા સંબંધો વચ્ચેનું અંતર પણ સ્પષ્ટ કર્યું હતું. કોર્ટે કહ્યું કે એક મહિલા સાથી લગ્નનું વચન સિવાય અન્ય કારણોસર પણ કોઇ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે જેમ કે લગ્નના વચન વિના વ્યક્તિગત લાગણી.
કોર્ટે કહ્યું, 'અમારા મતે મહિલા સાથીના વિરોધ અને લગ્નના આગ્રહ વિના પાર્ટનર્સ વચ્ચે શારીરિક સંબંધોનો લાંબો સમયગાળો પુરુષ સાથી દ્ધારા લગ્નની લાલચ આપીને બાંધવામાં આવેલા સંબંધોના બદલે સહમતિથી બાંધવામાં આવેલા સંબંધોનો સંકેત આપે છે.
ફરિયાદીનો આરોપ છે કે તેની મુલાકાત આરોપી સાથે 2008માં થઇ હતી. ત્યારે તે નોકરીની શોધમાં હતી અને આરોપીને તેની બીમાર પત્નીની સંભાળ રાખવા માટે મદદની પણ જરૂર હતી. તેણીનો આરોપ હતો કે આરોપીએ લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીની અગાઉથી બે પત્નીઓ હતી. આરોપીઓ તેણીને વચન આપ્યું હતું કે તેની બંને પત્નીઓ બીમાર હોવાથી તે તેની સાથે લગ્ન કરશે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, આ બધું 2017 સુધી ચાલ્યું, ત્યારબાદ આરોપીએ તેણીને ટાળવાનું શરૂ કર્યું અને તેણીની સાથેના સંબંધોને તેમ કહીને સમાપ્ત કરી દીધા કે તે તેની સાથે લગ્ન કરશે નહીં. બાદમાં પીડિતાએ કેસ દાખલ કરતા સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જો કે, ફરિયાદીએ તેની પુત્રીની છેડતી કરવા બદલ તેની સામે બીજી એફઆઈઆર નોંધાવી હતી. આરોપીને અન્ય કેસમાં પણ રક્ષણ આપવામાં આવ્યું હતું.
ત્યારપછી તેણે બોમ્બે હાઈકોર્ટમાં તેની સામે નોંધાયેલા કેસો રદ કરવા અરજી કરી હતી. હાઈકોર્ટે તેની અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે પ્રથમ દ્રષ્ટીએ એવા કોઈ પુરાવો નથી કે ફરિયાદી સાથે તેના સંબંધો સહમતિથી હતા. આ પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે દંપતી 2008 થી 2017 સુધી રિલેશનશીપમાં હતા. ફરિયાદી (મહિલા) તરફથી કોઈ વિરોધ અથવા વાંધો ન હતો, તે દર્શાવે છે કે ફરિયાદી સાથે લગ્ન કરવાનો આરોપીનો ઈરાદો હતો.