Supreme Court: હાલ ઓટીટી પર વાંધાજનક સામગ્રીની ભરમાર છે. જેને લઈ યુવાધન અવળા રવાડે પણ ચડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ટીવી ક્વિન અને બાલાજી ટેલીફિલ્મ્સની માલિક એક્તા કપૂરની તેની વેબ સિરીઝ 'ટ્રીપલ એક્સ'માં વાંધાજનક સામગ્રી દર્શાવવા બદલ બહુ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે એક્તા કપૂરને જણાવ્યું હતું કે તે દેશની યુવા પેઢીનાં માનસને દૂષિત કરી રહી છે.
એક્તા કપૂરનાં ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર ટ્રીપલ એક્સ નામની વેબ સિરીઝમાં દેશના સૈનિકોના પરિવારજનો તથા ખાસ તો તેમની પત્નીઓનું બહુ વાંધાજનક અને અભદ્ર રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે અને એ રીતે દેશનાં લાખો સૈનિક પરિવારોની લાગણી દૂભાવી તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આ સિરીઝ અગાઉ રજૂ થઈ ત્યારે પણ એકતા કપૂર સામે દેશભરમાં અનેક જગ્યાએ કેસ થયા હતા અને એકતાએ તે માટે માફી પણ માગવી પડી હતી.
શું છે મામલો
બિહારમાં બેગુસરાઈની અદાલત દ્વારા માજી સૈનિકોનાં એક સંગઠના નેતા શંભુ કુમારે કરેલા કેસને પગલે એકતા કપૂર અને તેમની માતા નિર્માત્રી શોભા કપૂર સામે એરેસ્ટ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. એકતા કપૂરે આ એરેસ્ટ વોરન્ટને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આવતાં ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને ન્યાયમૂર્તિ સી. ટી. રવિકુમારની બેન્ચે બહુ આકરા શબ્દોમાં એક્તા કપૂરને ખખડાવીને ઝાટકણી કાઢી હતી. 'કશુંક તો કરવું જ પડશે. તમે દેશની યુવા પેઢીનાં માનસને દૂષિત કરી રહ્યાં છો. આ સિરીઝ સૌને પ્રાપ્ય છે. ઓટીટી સામગ્રી સૌ કોઈ નિહાળી શકે છે. તમે દેશના લોકોને કેવા પ્રકારની પસંદગી આપવા માગો છો ? વાસ્તવમાં તમે આ દેશના યુવા માનસને દૂષિત કરી રહ્યા છો' એમ બેન્ચે જણાવ્યું હતું.
એકતા કપૂરના વકીલે શું કર્યો બચાવ
એકતા કપૂર વતી સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયેલા એડવોકેટ મુકુલ રોહતગીએ પટણા હાઈકોર્ટ સમક્ષ પણ એક પિટિશન ફાઈલ કરવામાં આવી છે પરંતુ તેની બહુ વહેલી તકે સુનાવણી થાય તેવી કોઈ અપેક્ષા નથી એવી રજૂઆત કરી કે તરત જ બેન્ચે આ ટિપ્પણી કરી હતી. રોહતગીએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ આવા જ કેસમાં એકતા કપૂરને સંરક્ષણ આપી ચુકી છે.
રોહતગીએ એવી દલીલ કરી હતી કે આ ઓટીટી સિરીઝ સબસ્ક્રિપ્શન આધારિત છે અને આ દેશમાં લોકોને શું જોવું કે ના જોવું તેની પસંદગીનો અધિકાર છે. આ તબક્કે કોર્ટે તમે કયા પ્રકારની પસંદગીના વિકલ્પો લોકોને આપી રહ્યા છો એવું તાજ્જુબ વ્યક્ત કર્યું હતું.
બેન્ચે શું કહ્યું
બેન્ચે દંડ ફટકારવાની લગભગ ચિમકી આપી દેતાં આકરા શબ્દોમાં કહ્યું હતું કે તમે દર વખતે આ કોર્ટ સમક્ષ આવી જાઓ છો. અમે આ બાબતને સ્હેજે ચલાવી લેવા માગતા નથી. આ પ્રકારની અરજીઓ કરવા બદલ અમે તમને દંડ કરશું. મિ. રોહતગી, તમારા ક્લાયન્ટને આ જણાવી દેજો. તમને સારા વકીલ કરવા પોસાય છે અને તેમની સેવાઓ પરવડે છે એટલા ખાતર તમે આ પ્રકારની અરજીઓ ના લાવો. આ અદાલત બોલકા લોકો માટે નથી.
આ કોર્ટ એવા લોકો માટે જ કામ કરે છે જેમની પાસે પોતાનો અવાજ નથી. જો આ પ્રકારના ( એકતા કપૂર જેવા) લોકો જેમની પાસે તમામ પ્રકારની સુખસગવડો છે તેમને પણ એવું લાગતું હોય કે તેમને ન્યાય મળી શકે તેમ નથી તો આ સામાન્ય માણસની સ્થિતિ વિચારો. સુપ્રીમ કોર્ટે આ અરજી અંગે સુનાવણી મુલત્વી રાખી હતી અને હાઈકોર્ટમાં સુનાવણી ક્યાં પહોંચી છે તે જાણવા માટે એક સ્થાનિક વકીલની મદદ લેવા સૂચવ્યું હતું.