Gujarat Assembly Election:ગુજરાત વિધાનસભાની ચૂંટણીની  તારીખ હવે  કોઈપણ દિવસે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે શુક્રવારે (14 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં ગુજરાતની ચૂંટણીને લઈને પણ જાહેરાત થઈ શકે છે. દરમિયાન ભાજપે ગુજરાતને લઈને મહત્વની બેઠક યોજી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને 3 કલાકથી વધુ સમય બેઠક યોજાઇ હતી.


આ બેઠકમાં  PM  મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ અને અન્ય નેતાઓ હાજર છે. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં નેતાઓએ ગુજરાતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


ગુજરાત ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે?


ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શુક્રવારે હિમાચલની ચૂંટણીની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. કમિશન દ્વારા આ મહિનાના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે કહ્યું કે,હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.


ગુજરાતમાં પણ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ મેદાનમાં છે. ચૂંટણીના માહોલ વચ્ચે પીએમ મોદી છેલ્લા કેટલાક મહિનામાં અનેક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરની શરૂઆતમાં યોજાઈ હતી. ભાજપ ગુજરાતમાં સતત છ વખત જીત્યું છે અને 27 વર્ષથી રાજ્યમાં સત્તા પર છે.


ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ વખતે સક્રિય છે અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં ઘણી રેલીઓ કરી છે. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની જનતાને મફત વીજળી, શિક્ષણ જેવા અનેક વચનો આપ્યા છે. ગુજરાત ચૂંટણી અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. આ ઉપરાંત 182 વિધાનસભા ક્ષેત્રમાં 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે.