સુરત: સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 કરોડની લૂંટના ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, આ ઘટનામાં ફરિયાદી જ તપાસના અંતે આરોપી નીકળ્યો છે. સહજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા કર્મચારીએ 8 કરોડની ઉચાપત કરી હતી અને આ ભાંડો ન ફૂટે એટલે તેને પોતાના મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને ઉપજાવવી કાઢી હતી. 8 કરોડની ઉચાપતમાંથી તેણે 5 કરોડ રૂપિયા શેર બજારમાં રોકીને તેની નુકસાની કરી હતી.


સુરતમાં કતારગામ વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ કતારગામના સેફ વોલ્ટમાંથી 8 કરોડ રૂપિયા લઈને મહિધરપુરા સેફ વોલ્ટમાં મૂકવા જતા હતા ત્યારે અજાણ્યા એક સમયે પોતાની ઓળખ ઈન્કમટેક્સ અધિકારીની આપી ગાડીમાં બેસી બંદૂકની અણીએ લૂંટ ચલાવ્યું હોવાની એક ફરિયાદ દાખલ થઈ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા કે એક વ્યક્તિ ઇકોની અંદર બેસે છે.


સમગ્ર મામલે તપાસ એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ અને ડીસીપી ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદ કરનાર નરેન્દ્ર દુધાત જ આ ઘટનાનો માસ્ટર માઈન્ડ છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતો હતો અને તેને છેલ્લા 5 વર્ષમાં 8 કરોડ રૂપિયાની ઉચાપત કંપની સાથે કરી હતી. કંપનીને આ ખબર ન પડે એટલા માટે તેને આ લૂંટનું કાવતર કર્યું અને પોતાના મિત્ર રોહિત ઠુંમરની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. 


મહત્વની વાત કહી શકાય કે નરેન્દ્ર દુધાતે કંપની સાથે છેતરપિંડી કરીને જે 8 કરોડ લીધા હતા તેને શેર માર્કેટમાં રોક્યા હતા અને ત્યારબાદ તેને 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલા માટે જ તેને પોતાના મિત્ર રોહિત ઠુંમરને આ બાબતે વાત કરી અને 5 લાખ રૂપિયા આપીને લૂંટનું નાટક કરવાનું જણાવ્યું હતું. રોહિતની સાથે કલ્પેશ કશવાળા નામના મિત્રને પણ નરેન્દ્ર દુધાતે પોતાની સાથે રાખ્યો હતો. કારમાં પૈસાની જગ્યા પર કાગળ ભરેલા બેગ મુકવામાં આવ્યા હતા અને ત્યારબાદ લૂંટ થઈ હોવાનું આખું નાટક કરવામાં આવ્યું હતું અને અંતે આ ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે.


આરોપી નરેન્દ્ર દુધાત સહજાનંદ ટેકનોલોજી કંપનીમાં 22 વર્ષથી નોકરી કરતો હતો અને છેલ્લા 5 વર્ષથી તે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.  2018-19 દરમિયાન તેને કંપની સાથે 8 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી અને આ રકમનો હિસાબ કંપનીને ન આપવો પડે એટલા માટે તેણે પોતાના મિત્ર કલ્પેશ કશવાળાને આ બાબતે જાણ કરી અને કલ્પેશને જણાવ્યું કે તેના અંગત ભરોસાપાત્ર માણસને સાથે રાખીને એક ઇન્કમટેક્સ ઓફિસર બનાવીને આ સમગ્ર નાટક રચ્યું હતું. હાલ તો પોલીસ સમગ્ર મામલે નરેન્દ્ર દુધાત, કલ્પેશ કશવાળા અને રોહિત ઠુમ્મરની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી નરેન્દ્ર દુધાતની પૂછપરછમાં 2.25 કરોડ જેટલી રકમ અલગ-અલગ ડિમેટ એકાઉન્ટમાં હોવાનું સામે આવ્યું છે અને અન્ય રકમના હિસાબ માટે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.