Test Cricket:  ભારતે ઈંગ્લેન્ડને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચની વાત કરીએ તો, ભારતે શ્રેણીની સૌથી મોટી જીત નોંધાવી છે, જેમાં ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ્સ અને 64 રને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભારતની જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે બોર્ડ હવે 'ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમ' શરૂ કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓને ઘણો ફાયદો મળશે.


 






ટેસ્ટ ક્રિકેટરોની બમ્પર લોટરી


ટ્વિટર પર આ નવી સ્કીમની જાહેરાત કરતા BCCI સેક્રેટરી જય શાહે લખ્યું, "મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મેન્સ ક્રિકેટ ટીમ માટે 'ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ' શરૂ કરવામાં આવી રહી છે. આનાથી અમારા ખેલાડીઓને વધુ નાણાકીય લાભ મળશે અને તેમની કારકિર્દીને સ્થિરતા મળશે.'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહક યોજના' 2022-2023 સીઝનથી માન્ય રહેશે. આ યોજના હેઠળ, મેચ દીઠ 15 લાખ રૂપિયાની ફી ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને અન્ય પુરસ્કાર પણ આપવામાં આવશે. 


ભારતીય ટેસ્ટ ક્રિકેટ ખેલાડીઓને કેવી રીતે ફાયદો થશે?


જો વર્તમાન સમયની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ભારતીય ખેલાડીઓને એક મેચ માટે 15 લાખ રૂપિયાની ફી મળે છે, પરંતુ હવે આ ખેલાડીઓને ઈન્સેટિવ મળવાની તક મળશે. આ યોજનામાં એક મહત્વપૂર્ણ પાસું પણ ઉમેરવામાં આવ્યું છે. જો કોઈ ખેલાડી આખી સિઝનમાં 75 ટકા કે તેથી વધુ મેચ રમે છે તો તેને દરેક મેચ માટે 45 લાખ રૂપિયાની રકમ ઈન્સેટિવ તરીકે મળશે. બીજી તરફ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેલા ખેલાડીઓને 22.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.


જો કોઈ ખેલાડી 50 ટકા મેચ રમશે તો તેને મેચ દીઠ 30 લાખ રૂપિયા આપવામાં આવશે અને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેનાર ખેલાડીઓને ઈન્સેન્ટિવ તરીકે 15 લાખ રૂપિયા પ્રતિ મેચ આપવામાં આવશે. જો કોઈ ખેલાડી આખી સિઝનમાં 50 ટકાથી ઓછી મેચ રમશે તો તેને કોઈ પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.