સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ યુવતીના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અમિતા બી. જોષીએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો એ કેસમાં અમિતા જોષીના પતિ વૈભવના અન્ય યુવતીઓ સાથેના શારીરિક સંબંધો પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. અમિતા જોષીએ દીકરાની સંભાળ રાખવા રાખેલી વિધવા યુવતી સાથે પતિ વૈભવને શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપીને તેનું રેકોર્ડિંગ પણ કર્યું હતું.


અમિતા જોષીના પિતા નિવૃત એએસઆઇ બાબુભાઇ શાંતીલાલ જોષી (હાલ રહે. રામકૃષ્ણ સોસાયટી, બાપુનગર, અમદાવાદ અને મૂળ વેકરીયાપરા, નર્મદેશ્વર સોસાયટી, તા. ધારી, જિ. અમરેલી)એ અમિતાના પતિ વૈભવ જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સસરા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન જીતેશ વ્યાસ (ત્રણેય હાલ રહે. ફ્લેટ નં. 103, સી બિલ્ડીંગ, ફાલસાવાડી પોલીસ લાઇન, રીંગરોડ અને મૂળ કાંચના મંદિર પાસે, ભાવનગર-તળાજા રોડ) અને નણંદ મનિષા હરદેવ ભટ્ટ (રહે. ગારીયાધાર, ભાવનગર) તથા અંકિતા ધવન મહેતા (રહે. ભાવનગર) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

તેમણે ફરીયાદમાં જણાવ્યું છે કે પુત્રી અમિતા કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાઈ હતી અને 2013માં પરીક્ષા પાસ કરી સબ ઇન્સ્પેકટરની ટ્રેનીંગ લઇ જામનગરમાં પાંચ વર્ષ ફરજ બજાવ્યા બાદ 2018માં સુરત બદલી થઇ હતી. સુરત બદલી થઇ ત્યાર બાદ તેના અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અમિતાના પતિ વૈભવે પણ સુરત બદલી કરાવી હતી. ત્યાર બાદ વૈભવની સાથે તેના સાસુ-સસરા પણ સુરત ફાલસાવાડી ખાતે રહેવા આવ્યા હતા.

અમિતાના પતિ વૈભવને અનૈતિક સબંધો હતો. તેમના 4 વર્ષના પુત્ર જયમીનની દેખભાળ માટે પુણાની વિધવા યુવતીને રાખી હતી. તેની સાથે પણ વૈભવના શારીરિક સબંધ હતા. અમિતાએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોડીંગ પણ અમિતા પાસે હતું.

અમિતાએ પોતાની આવકમાંથી ફ્લેટ ખરીદયો હતો અને બ્રેઝા કાર લીધી હતી. ફ્લેટ અને કાર અમિતાએ પોતાના નામે જ કેમ લીધી અને વૈભવના નામે કેમ નહીં એમ કહી સાસુ-સસરા અને નણંદ મનિષા અને અંકિતા ત્રાસ ગુજારતા હતા. અમિતાનો આખો પગાર પણ ઘરમાં આપી દેવાની માંગણી કરી ત્રાસ ગુજારતા હતા. પતિ વૈભવ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અમિતાએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે.