Crime News:  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદ્રા જીઆઈડીસી વિસ્તાર માંથી એક પ્લાસ્ટિકના કોથળામાંથી પોલીસને હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવી છે. મૃતક ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા મૃતકની પત્ની અને દીકરીઓએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.


પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
 
ગઈકાલે સાંજના સમયે માંગરોળ તાલુકાના પીપોદ્રા જી આઈડીસીમાં આવેલ વિશ્વકર્મા નગરમાં ખુલ્લા પ્લોટમાંથી અતિશય દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આસપાસ તપાસ કરતા મૃતક નજીક રહેતો મૂળ ઓડિશાનો પરેશ ઉર્ફે નરેશ હોવાનું બહાર આવ્યું હતું. નરેશ ઉર્ફે પરેશ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે નજીકની જ બિલ્ડીંગમાં રહેતો હતો.


ઓડિશામાં થયેલી ત્રણ દુર્ઘટનામાં તેના પતિનું મોત થઈ ગયું છે


જોકે મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતા મૃતક પરેશના રૂમ પર તાળું લટકેલું જોવા મળ્યું હતું.  વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, વતન ઓડિશા ખાતે પોતાના સસરા મૃતકના પિતાનું મોત થયું હોવાનું કહી મૃતકની પત્ની અને દીકરીઓ સાથે વતન ઓડિશા ચાલી ગઈ હતી. જોકે વતનમાં તાપસ કરતા ત્યાંથી જાણવા મળ્યું કે જે સસરાનું મોત થયાનું કહીને મૃતકની પત્ની વતન ગઈ છે એ વ્યક્તિ તો જીવિત છે જ્યારે વતનમાં જઈ મહિલાએ એવું જણાવ્યું હતું કે ઓડિશામાં થયેલી ત્રણ દુર્ઘટનામાં તેના પતિનું મોત થઈ ગયું છે.


પોલીસની એક ટીમ ઓડિશા જવા માટે પણ તૈયારી કરી રહી છે


જોકે પોલીસને મૃતકના રૂમમાંથી મૃતકના હાથમાં બાંધેલી જેવી આબેહૂબ દોરી તેમજ જે કોથળામાં મૃતદેહ પેક કરવામાં આવ્યો હતો એવો આબેહૂબ કોથળો મળી આવ્યો છે. હાલ પોલીસને પ્રબળ આશંકા છે કે મૃતકની પત્ની અને દીકરીઓએ મૃતકની હત્યા કરી એના મૃતદેહને કોથળામાં પેક કરીને ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો છે. હાલ કોસંબા પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી તપાસ કરવાના શરૂ કરી દીધા છે.  સાથે સાથે કોસંબા પોલીસની એક ટીમ ઓડિશા જવા માટે પણ તૈયારી કરી રહી છે.