મુંબઇઃ એક વિશેષ પોક્સો કોર્ટે તાજેતરમાં જ એક 28 વર્ષીય વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ 15 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કારનો પ્રયાસ કરવાના આરોપમાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે સજા ફટકારતા અવલોકન કર્યું હતું કે બળાત્કાર હત્યા કરતા પણ વધુ જઘન્ય છે કારણ કે તે એક અસહાય મહિલાની આત્માનો નાશ કરે છે. સુનાવણી દરમિયાન આ કેસના બીજા આરોપીનું મોત થયું હતું.


બાળકીને કોર્ટમાં હાજર કરવામાં  આવી હતી અને તેણે દોષિત ઠેરવવામાં આવેલા આરોપી વિરુદ્ધ જુબાની આપી હતી. સ્પેશ્યલ જજ H C Shendeએ જણાવ્યું હતું કે "પીડિતાના પુરાવા વિશ્વસનીય, આત્મવિશ્વાસ પ્રેરક છે અને તે એ સ્વીકારવા માટે પૂરતા છે કે આરોપીઓ તેમના સમાન ઇરાદાને આગળ વધારવા માટે પીડિતાને બળાત્કાર કરવાના ઇરાદા સાથે એકાંત સ્થળે લઈ ગયા.


કોર્ટે બચાવ પક્ષની એ દલીલને ફગાવી દીધી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે આ ખોટી ઓળખનો કેસ છે અને આરોપીઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપીઓ બાળકીને જાણતા હતા. પીડિતાએ સત્ય નિવેદન આપ્યું અને હાલના આરોપીને હુમલાખોર તરીકે ઓળખાવ્યો હતો. તે સિવાય તે આરોપી વિરુદ્ધ પણ જુબાની આપી હતી જે હાલમાં જીવિત નથી.


બાળકીની માતાએ જાતીય શોષણ થયાની ફરિયાદ પોલીસને કરી હતી. માતાએ કહ્યું હતું કે તે હાલના કારણે બાળકી ઘર પર જ રહેતી હતી અને તેના ભાઇઓ દરરોજ સ્કૂલ જતા હતા. માતાએ કહ્યું કે તે ચાર સપ્ટેમ્બર 2015ના રોજ કામ પરથી ઘરે પરત ફરી ત્યારે તેણે બાળકીના વર્તનમાં ફેરફાર જોયો હતો. માતાએ કહ્યું કે જ્યારે  તેણીએ બાળકીને વિશ્વાસમા લીધી ત્યારે તેણીએ જાતીય શોષણ અંગે તમામ જાણકારી આપી હતી. પીડિતાએ માતાને જણાવ્યું કે આરોપીઓ તેને 10 રૂપિયા આપવાની લાલચ આપી એકાંત સ્થળે લઇ ગયા હતા અને યૌન શોષણ કર્યું હતું. આવું અગાઉ પણ અનેકવાર બન્યું હતું. આ મામલે એફઆઇઆર નોંધવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.


કોર્ટમાં પીડિતાએ કહ્યું કે બંન્ને આરોપીઓએ જો તે તેના પરિવારને આ ઘટનાની જાણકારી આપશે તો તેનું ગળુ કાપી દેવાની પણ ધમકી આપી હતી. કોર્ટે બચાવ પક્ષની એ દલીલ પણ ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે મૃતક આરોપી અને બાળકી પ્રેમમાં હતા અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.


કોર્ટે કહ્યું કે કોઇ પણ સન્માનિય મહિલા પોતાના પરિવારના સન્માન અને પોતાની દીકરીના ચરિત્રને ફક્ત આરોપીઓને પાઠ ભણાવવા માટે બળાકારના આરોપો સાથે ખોટો કેસ દાખલ કરી દાવ પર લગાવી શકતી નથી કારણ કે તેમની દીકરી એક આરોપીને પ્રેમ કરે છે જે હવે જીવિત નથી.


આરોપીઓ પર દયા દાખવવાનો ઇનકાર કરતા કોર્ટે આવા ગુનાઓની સમાજ પર થતી અસરોને ટાંકી હતી. કોર્ટે કહ્યું કે માનસિક રીતે અસ્વસ્થ પીડિતા પર બળાત્કાર કરવામાં આવે તે ગુનો ખૂબ ગંભીર હોય છે. બળાત્કાર એ હત્યા કરતા પણ વધુ જઘન્ય ગુનો છે. કારણ કે તે એક લાચાર મહિલાની આત્માનો નાશ કરે છે.