આજે રાત્રે થનારા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને લઈને પાકિસ્તાનમાં હાલ સ્થાનિક એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈસ્લામાબાદમાં બધી હોસ્પિટલોને પણ એલર્ટ કરી દેવાઈ છે. હાલની સ્થિતિને જોતાં બધા પોલીસકર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે. પોલીસ અધિકારીઓને ઈસ્લામાબાદમાં જ રહેવાનો આદેશ અપાયો છે.


હાલ લાહોરના રસ્તાઓ પર ઈમરાન ખાનના સમર્થકો પ્રદર્શન કરી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું છે કે હું હાર નહી માનું. ઈમરાનનું કહેવું છે કે, મારી સામે વિદેશી ષડયંત્ર કરવામાં આવ્યું છે અને હું તમામ ષડયંત્રને ચાલવા નહી દઉં.


પાકિસ્તાનની રાજનીતિ માટે આજની રાત મહત્વની છે. કારણ કે નેશનલ એસેમ્બલીમાં મતદાન થવાનું છે. ઈમરાન ખાનની સરકાર રહેશે કે નહીં તે મતદાન બાદ જ નક્કી થશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સંસદમાં કુલ સાંસદોની સંખ્યા 342 છે. એટલે કે ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે ઈમરાન ખાને 172 વોટ મેળવવા પડશે. પરંતુ હાલમાં ઈમરાન ખાનની સરકાર પાસે માત્ર 142 સાંસદોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ તેમની સાથે 199 સાંસદ હોવાનો દાવો કરી રહ્યો છે.


પત્રકારો સાથે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે દેશ કોઈ પણ સંજોગોમાં દુશ્મનોને સફળ થવા દેશે નહીં. તેણે કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં હાર માનીશ નહીં અને મારા અંતિમ શ્વાસ સુધી લડીશ. તેમણે કહ્યું કે તેઓ વૈશ્વિક ષડયંત્રને સફળ થવા દેશે નહીં.


પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે દાવો કર્યો છે કે ઈમરાન ખાન આર્મી ચીફ બાજવા વિરુદ્ધ કાર્યવાહી કરવાના હતા. પરંતુ ઈમરાનના સલાહકાર ઝુલ્ફી બુખારી અને અન્ય સલાહકારોએ તેને આમ ન કરવાની સલાહ આપી હતી. રિપોર્ટ અનુસાર, સલાહકારોએ ઈમરાનને કહ્યું કે આમ કરવાનું પરિણામ ખરાબ આવશે.