થરાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવક-યુવતીઓની હત્યાના વારંવાર સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં વધુ બે યુવકની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો છે. થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. કેનાલ પરના લોકોએ નગરપાલિકાના તરવૈયાઓને જાણ કરતા લાશને બહાર કાઢવામાં આવી હતી.
યુવકના બંને હાથ દોરડા વડે બાંધેલા મળી આવ્યા છે, જેને કારણે યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. થરાદ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આજે દાહોદમાં પણ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.
અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે યુવકની અગમ્ય કારણો સર હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હથોડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનુ પ્રાથમિક અનુમાન છે.
હત્યા કરાયા બાદ યુવકની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. તેમજ તેની હત્યા કોણે અને કેમ કરવામાં આવી તે પણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
અરવલ્લીમાં 40 વર્ષીય પુરુષની હત્યા
ગત 17મી ડિસેમ્બરે અરવલ્લી જિલ્લામાં 40 વર્ષીય પુરુષની હત્યા થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. હત્યા કરી લાશ કુડોલ ઘોટા પ્રાથમિક શાળામાં ફેંકી દેવામાં આવી હતી. કુડોલઘાટામાં રતાભાઈ તરાર(ઉં.વ.40)ના આદિવાસી મિત્રો વારંવાર તેમના મોટાભાઈની દીકરીની ઠઠ્ઠા-મશ્કરી કરતા હોવા છતાં રતભાઈ તેમના મિત્રોને કંઇ કહેતા ન હોવાથી મોટાભાઈ અને તેમના પરિવારજનો રોષે ભરાયા હતા. ગુરુવારે રાતે ગામની પ્રાથમિક શાળામાં આ મુદ્દે જ રાતભાઈ સાથે બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા સગીરવયના ભત્રીજાએ માથામાં લાકડી મારતાં રતાભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું.
હત્યા પછી રતાભાઈના મોટા ભાઈ અને તેમના બે સગીર પુત્રો ત્યાંથી ભાગી ગયા હતા. વહેલી સવારે હત્યાના સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઇ ગયા હતા. બીી તરફ ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી માત્ર 14 કલાકમાં જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
દહેગામની બારડોલી કોઠી ગામે એક પછી એક બે યુવતીઓની હત્યા
દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 17 ડિસેમ્બરે સવારે 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની માથામાં ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન છે. દહેગામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને યુવતીની ઓળખ માટે તપસા શરૂ કરી છે. ગાંધીનગર એલસીબી અને એસઓજીની ટીમો પણ હત્યારાની તપાસમાં લાગી ગઈ છે. આ અગાઉ પણ અહીં જ અન્ય એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બંને હત્યાકાંડમાં હજુ સુધી પોલીસને કંઈ જ હાથ લાગ્યું નથી.
ભુજમાં RTO એજન્ટ યુવકની હત્યા
ગત 16મી ડિસેમ્બરે ગાંધીધામના 25 વર્ષીય આરટીઓ એજન્ટની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ભચાઉના કુંજીસર તળાવ પાસે છરીનાં ઘા મારેલ લાશ મળી આવી હતી. યુવકનું નામ જીવણ રબારી હોવાનું જાણવા મળ્યું છે અને હજુ જીવના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હોવાની વિગતો સામે આવી છે. ભુજ આરટીઓ ઓફિસ પાસેથી જીવણનું અપહરણ થયા પછી લાશ મળી આવી હતી. મૂળ રાપરના સઈ ગામના જીવણ રબારીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. દરમિયાન ગઈ કાલે જીવણનું આરોપીઓ દ્વારા અપહરણ કરાયું હતું. જીવણને આરોપીની પત્ની સાથે પ્રેમસંબંધ હતા. જેની જાણ આરોપીને થઈ જતા જીવણનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં યુવકની હત્યા
સુરેન્દ્રનગરના ટીબી હોસ્પિટલ પાછળ આવેલ મેલડીપરા રહેણાંક વિસ્તારમાં યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. મેલડીપરામાં રહેતા ચેતન ભરતભાઈ ઠાકોર નામના યુવકને સુરેન્દ્રનગરની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પ્રેમસંબંધ અંગે યુવતીના ભાઈને ખબર પડી જતાં તે ઉશ્કેરાઇ ગઈ હતો અને ગઈ કાલે સાંજે યુવકને ધારીયાના ઘા મારીને ત્યાં જ પતાવી દીધો હતો અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. અંગે મૃતકના પિતા ભરતભાઈ ઠાકોરે હત્યારા સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતમાં યુવકની હત્યા
સુરતના પુણા વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. ભાગ્યોદય ઈંડસ્ટ્રીઝ વિસ્તારમાં યુવક પર લોખંડની પાઈપથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અંગત અદાવતમાં હુમલો કરવામા આવ્યો હતો. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરતમાં પતિએ કરી નાંખી પત્નીની હત્યા
પુણાના મુક્તિધામ સોસાયટીમાં યુવકે પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો નીમ્બાલી ગામનો વતની લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતો હતો. થોડા મહિના પહેલા જ તેણે દલાલને 3 લાખ રૂપિયા આપીને કૌશલ્યા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. કૌશલ્યાએ લીખારામને માર માર્યો હતો. જેને કારણે લીખારામને લાગી આવ્યું હતું. જેને કારણે તે આખી રાત સૂઈ શક્યો નહોતો. આ પછી વહેલી સવારે જ તેણે કૌશલ્યાની સૂતેલી હાલતમાં દોરીથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આ પછી તેણે લાશ કોથળામાં પેક કરી દીધી હતી. આ પછી 3 ડિસેમ્બરે તેણે આખી રાત પત્નીની લાશ સાથે જ વિતાવી હતી. તેમજ 4 ડિસ ેમ્બરે સવારે કોથળો રૂમમાં મૂકીને નાસી ગયો હતો. પુણા પોલીસે ગુનો દાખલ કરીને પતિને અઠવાડિયા પછી રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
ભાવનગરમાં સામે જોવા મુદ્દે યુવકની હત્યા
ભાવનગરમાં 11 ડિસેમ્બરે બાઇકની સાઇડ કાપતા સામે જોતા તું અમારી સામે જોઇ કાતર કેમ મારે છે ? કહી બે બાઇક સવારોએ અન્ય બાઇક સવાર યુવાનને તેના કુટુંબી ભાઇની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. શહેરના રૂવાગામ ખાતે રહેતો નિલેશ બીજલભાઇ ડાભીનેસુભાષનગરમા રહેતા પ્રવીણ કનુભાઇ આલગોતર તથા તેનો સગીર મિત્રએ છરી મારીને હત્યા કરી નાંકી હતી. બનાવ અંગે નિલેશ ડાભીએ બન્ને શખ્સો વિરુધ્ધ નાનાભાઇની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હતા. હત્યાના અડધો કલાકમાં જ મુખ્ય આરોપીની શહેરમાંથી ધરપકડ કરી લીધી હતી.
ગુજરાતમાં વધુ એક યુવકની હત્યાઃ થરાદની કેનાલમાંથી બંને હાથ દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવી લાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Dec 2020 12:21 PM (IST)
થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. કેનાલ પરના લોકોએ નગરપાલિકાના તરવૈયાઓને જાણ કરતા લાશને બહાર કાઢવામાં આવી હતી.
તસવીરઃ થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. કેનાલ પરના લોકોએ નગરપાલિકાના તરવૈયાઓને જાણ કરતા લાશને બહાર કાઢવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -