છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું છે કે જો કોઈ પતિ તેની પુખ્ત પત્ની સાથે તેની સહમતિ વિના તેની સાથે જાતીય સંબંધ બાંધે છે અથવા અકુદરતી જાતીય સંબંધો બાંધે છે તો તેને ગુનો ગણી શકાય નહીં. આ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ નરેન્દ્ર કુમાર વ્યાસની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતા જગદલપુરના એક રહેવાસીને નિર્દોષ જાહેર કર્યો હતો જેને નીચલી અદાલતે બળાત્કાર, અકુદરતી જાતીય સંબંધ અને અન્ય આરોપો માટે દોષિત ઠેરવ્યો હતો.
શું મામલો છે?
આરોપીની 2017ના રોજ ધરપકડ કરાઇ હતી જ્યાર તેની પત્નીના મોત બાદ તેના પર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી જાતીય સંંબંધો) અને 304 (હત્યા સમાન ગુનો) હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો. પત્નીએ મોત પહેલાં મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેની સાથે બળજબરીથી અકુદરતી જાતીય સંબંધ બાંધ્યો હતો, જેના કારણે તે બીમાર પડી હતી.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, આઈપીસીની કલમ 375 (બળાત્કારની વ્યાખ્યા)માં 2013માં કરાયેલા સુધારા મુજબ જો પત્ની 15 વર્ષથી વધુ ઉંમરની હોય તો પતિ દ્વારા તેની પત્ની સાથે જાતીય સંબંધને બળાત્કાર ગણવામાં આવશે નહીં. તેથી પત્નીની સહમતિ વિના બાંધવામાં આવેલા અકુદરતી જાતીય સંબંધને ગુનો ગણી શકાય નહીં.
કોર્ટે એમ પણ કહ્યું કે IPC ની કલમ 377 (અકુદરતી જાતીય સંબંધો) પતિ અને પત્ની વચ્ચે લાગુ પડતી નથી કારણ કે કલમ 375માં કરવામાં આવેલા સુધારા પછી પતિ અને પત્ની વચ્ચે સંમતિ જરૂરી નથી.
વકીલે આ દલીલ આપી
સુનાવણી દરમિયાન વ્યક્તિના વકીલે રજૂઆત કરી હતી કે અપીલકર્તા વિરુદ્ધ રેકોર્ડ પર કોઈ કાયદેસર રીતે સ્વીકાર્ય પુરાવા ઉપલબ્ધ નથી અને ફક્ત પીડિતાના નિવેદનના આધારે તેના ક્લાયન્ટને અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમણે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે બે સાક્ષીઓના નિવેદનો ધ્યાનમાં લીધા ન હતા જેમણે જગદલપુર કોર્ટને કહ્યું હતું કે મહિલા તેની પહેલી ડિલિવરી પછી તરત જ પાઇલ્સથી પીડિત હતી જેના કારણે તેને રક્તસ્ત્રાવ થતો હતો અને પેટમાં દર્દ થતું હતું.