વડોદરાઃ કરજણ ખાતેનો સ્વીટી પટેલ હત્યાકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય એસ.ઓ.જી પી.આઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવી દીધો હતો. સ્વીટીના અસ્થિમાંથી ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ અને નિષ્ણાતોને નિષ્ફળતા મળી છે. આ અસ્થિઓ વધુ તપાસ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( FBI ) ને મોકલવાનો ડીસીબી ક્રાઈમે નિર્ણય કર્યો છે. 


સ્વીટી પટેલના અસ્થિ અમેરિકા મોકલવા કોર્ટની મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 5 જૂનના રોજ પી.આઈ. અજય દેસાઈએ પત્ની સ્વીટીનું ગળું દબાવી ડેડ બોડી પોતાની કારમાં લઈ જઈ અટાલી ગામે સળગાવી દીધી હતી.


 


Love Jihad : વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, યુવતીને ફોસલાવી ભગાડી ગયો


ભાવનગરઃ ભાવનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારની યુવતીને લલચાવી ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા માટે ભગાડી જવામાં આવી હતી. આ અંગેની જાણ ડેપ્યુટી મેયર કુમાર શાહ દ્વારા ધારાસભ્ય વિભાવરીબેન દવેને કરાતા તેમણે તરત ભાવનગર પોલીસને આ અંગે તપાસ કરવા રજુઆત કરી હતી. પોલીસે યુવાનનું લોકેશન ટ્રેસ કરતા હૈદરાબાદ હોવાનું જાણવા મળેલ. 


ભાવનગર પોલીસ અન્ય એક કેસની તપાસ માટે હૈદરાબાદ હતી. તેને લોકેશનની માહિતી આપતા યુવતીને ભગાડીને લઈ ગયેલ યુવાન ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું અને ત્યાંથી હૈદરાબાદ લાવી તેનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે યુવતીના વાલીઓને જાણ કરતા તે લોકો વડોદરાથી હેમખેમ યુવતીને પરત લઈ આવેલ અને વાસ્તવિકતા શું હતી તેની જાણ કરી હતી. 


 


Rajkot: યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું અનુમાન


રાજકોટ:  શહેરના સરધાર પાસે પથ્થરના ઘા ઝીકી પરપ્રાંતીય યુવકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યા સમયે સાથે રહેલા 3 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. સરધાર પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું પ્રથમીક અનુમાન છે. આજીડેમ પોલીસ મથક દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 


અન્ય એક ઘટનામાં રાજકોટમાં પતિએ પત્નીને તલવાર જીંકી બાદમાં  પોલીસ મથકમાં હાજર થયો હતો. પતિએ રસોઈ સારી ન બનવતા તલવાર મારી. લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન રાણીગાને તેના જ પતિ કમલે તલવાર ઝીંકી. ક્રિષ્નાબેનને પડોસીએ હોસ્પિટલ ખસેડ્યા. કમલ ભક્તિનગર પોલીસ મથકે તલવાર લઈ પહોંચી ગયો હતો. પરિવારના પોલીસ સમક્ષ નિવેદન મુજબ કમલ માનસિક બીમાર છે.