Vadodara Crime: વડોદરામાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મકરપુરા વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં પી.ટી. (P.T.) શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય રાઠોડ નામના લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષક પર આરોપ છે કે તેણે પોતાની જ શાળાની એક વિદ્યાર્થિનીને વધુ માર્ક્સ આપવાની અને બોલિવૂડમાં સિંગર બનાવવાની લાલચ આપીને ફસાવી હતી અને છેલ્લા 2 વર્ષથી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. દીકરીના માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર ઘટના બાદ શાળા સંચાલકોએ પણ આરોપી શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.

Continues below advertisement

વધુ માર્ક્સ અને બોલિવૂડની લાલચ આપી જાળમાં ફસાવી

પોલીસ ફરિયાદ મુજબ, આરોપી વિજય રાઠોડે આજથી 2 વર્ષ પહેલાં વિદ્યાર્થિનીને પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. માત્ર આટલું જ નહીં, તેણે વિદ્યાર્થિનીને સિંગર બનાવીને બોલિવૂડમાં ચમકાવી દેવાની અને ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવાની ખોટી લાલચો પણ આપી હતી. આ વાતોમાં અંજાઈ ગયેલી વિદ્યાર્થિનીને આરોપી શિક્ષક અવારનવાર પોતાના ઘરે લઈ જતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ સિલસિલો છેલ્લા 2 વર્ષથી ચાલતો આવતો હતો.

Continues below advertisement

8 એપ્રિલે ઘરે આવતા પાપનો ભાંડો ફૂટ્યો

આરોપી શિક્ષકના પાપનો ઘડો 8 એપ્રિલના રોજ ભરાઈ ગયો હતો. 8 એપ્રિલે લંપટ શિક્ષક વિજય રાઠોડ કોઈ કારણસર વિદ્યાર્થિનીના ઘરે પહોંચ્યો હતો. આ સમયે વિદ્યાર્થિનીના માતા પિતાએ તેને ત્યાં જોઈ લીધો હતો. માતા પિતાને શંકા જતાં તેમણે દીકરીની કડક પૂછપરછ કરી. માતા પિતાના સવાલો સામે વિદ્યાર્થિની ભાંગી પડી હતી અને તેણે શિક્ષક દ્વારા આચરવામાં આવતા વારંવારના દુષ્કર્મની તમામ હકીકત રડતા રડતા કબૂલી લીધી હતી.

પોલીસ ફરિયાદ અને શાળામાંથી હકાલપટ્ટી

દીકરીની આપવીતી સાંભળીને રોષે ભરાયેલા માતા પિતાએ તાત્કાલિક કપૂરાઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને લંપટ શિક્ષક વિજય રાઠોડ વિરુદ્ધ દુષ્કર્મની FIR નોંધાવી. પોલીસે પણ આ ગંભીર મામલે તાબડતોબ એક્શન લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ, આ આરોપી શિક્ષક વિરુદ્ધ અગાઉ પણ શાળામાં કેટલીક ફરિયાદો ઉઠી હતી. જોકે, આ વખતે દુષ્કર્મ જેવો ગંભીર અને સંગીન ગુનો નોંધાતા સ્કૂલ સત્તાધીશોએ તાત્કાલિક અસરથી આ લંપટ શિક્ષકની શાળામાંથી કાયમી ધોરણે હકાલપટ્ટી કરી દીધી છે.