વલસાડઃ સેલવાસમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા યુવાન વેપારીને સ્વરૂપવાન યુવતી સાથે ફોન પર વાતો કરવી ભારે પડી ગઈ છે. સ્વરૂપવાન યુવતીએ રંગીન વાતો કરીને વેપારીને ફસાવ્યા પછી તેની જ ગેંગની અન્ય યુવતીએ મહિલા પોલીસની ઓળખ આપી તોડ કર્યો હતો. જોકે, આ પછી યુવકે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, સેલવાસમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા યુવાન વેપારી પાસે ગત 29મી નવેમ્બરે જયશ્રી નામની યુવતી મોબાઇલ રિચાર્જના બહાને આવી હતી. આ સમયે તેણે યુવકને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને તેની સાથે મિત્રતા કેળવી લીધી હતી. આ પછી યુવતી તેની સાથે રોજ લાંબી લાંબી વાતચીત કરવા લાગી હતી. યુવતી સાથે વેપારી પણ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો.

દરમિયાન ગત 14મી ડિસેમ્બરે વેપારીને શ્વેતા પટેલ નામની યુવતીનો ફોન આવ્યો હતો અને પોલીસની ઓળખ આપી જયશ્રીના પતિએ તેમની સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, સમાધાન કરવું હોય તો 10 હજાર રૂપિયા લઈ પારડી મામલતદાર કચેરી પાસે બોલાવ્યા હતા.

ડરી ગયેલો યુવકે 10 હજાર રૂપિયા આપીને સમાધાન કરી લીધું હતું. જોકે, યુવકને શંકા જતાં તેણે તપાસ કરાવતા શ્વાત પટેલ નામની કોઈ મહિલા પોલીસમાં ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું હતું. આથી વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં પારડી પોલીસે નકલી પોલીસ બનેલી શ્વેતા પટેલ, ઉમરગામના બોરીગામની જયશ્રી જીતુ ધોડી અને તેના પતિ જીતુની ધપકડ કરી છે.