Valsad News : વલસાડમાં નકલી નોટોનું મોટું ખૌભાંડ ઝડપાયું છે. વલસાડની એસઓજીની ટીમે નકલી નોટનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. એસઓજીની ટીમને કપરાડા તાલુકાના 2 અને નાસિકના 1 યુવકને એસઓજીના છટકાંમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 5.50 લાખની 500ના દરની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ એક યુવકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસને બાતમી મળતા ટ્રેપ ગોઠવી
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર નાસિકથી ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા, એસઓજી પીઆઇ સીબી ચૌધરી અને એસઓજી પીએસીઆઈ એલ જી રાઠોડ અને તેમની ટીમે ડમી ગ્રાહકને મોકલી બાતમી વાળી જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી.
ત્રણ આરોપી ઝડપાયા, એક વોન્ટેડ જાહેર
બાતમીના વર્ણનવાળો ઇસમ આવતા એસઓજીની ટીમે 5.50 લાખના દરની રૂ 500ની નોટના જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી પાડયા હતા અને 1 ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કપરાડાના 2 યુવકો અને નાસિકનો એક યુવક મળી 3 યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે નાસિકમાં રહેતો માસ્ટર માઈન્ડ ન મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંતરિયાળ વિસ્તારમાં ચાલતા નકલી નોટના કૌભાંડને લઈને વલસાડ પોલીસ દ્વારા આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હાલ 1094 નંગ નોટો સાથે 3 આરોપી ની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.
માતાએ 3 વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુવામાંથી માતા અને નાના પુત્રનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંતરામપુરના નાના અંબેલા ગામે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે મૃતક યુવતીના પતિ, સસરા, સાસુ અને નણંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જો કે આ મહિલાએ ક્યા કારણે આ પગલું ભર્યું તેની માહિતી હજી સામે આવી નથી.