સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહિલાની હત્યા કરી માથું ધડથી છૂટું કરી દેનાર વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના કાપોદ્રામાં વર્ષ 2004માં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપી અંગે પોલીસને બાતમી મળી હતી. પોલીસે આ મામલે વર્કઆઉટ કરી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતેથી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડ્યો હતો. 


પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2004માં આરોપી વિજય તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો. તે સમયે મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી હતી. જેથી રામસજીવને ભાડુઆત અને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો. 


રામસજીવન તેની પત્નીને બહાર ફરવા લઇ જવાના બહાને પુણા નહેર પાસે એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા. બંનેએ રામવતીના હાથ- પગ પકડી રાખ્યા હતા. રત્નકારે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેણીના શરીર પરના કપડાં કાઢી નાંખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા. લાશની ઓળખાય ન થાય એ માટે વિજયે માથું પુણા નહેરમાં ફેંકી દીધું હતું. હત્યા બાદ એ વતન ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે.  


31 વર્ષ પહેલા સુરતમાં હત્યા કરી હતી, પોલીસે  આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપ્યો


સુરત શહેરના ઉમરા વિસ્તારમાં પાનનો ગલ્લો પડાવી લેવા માટે હત્યા કરવામા આવી હતી. આ હત્યારાની ક્રાઇમ બ્રાંચે 31 વર્ષે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. વર્ષ 1994થી આરોપી ફરાર હતો. આરોપી રામદયાલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.


સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભટાર પાસે આવેલો પાનનો ગલ્લો પડાવી લેવા માટે ગલ્લા માલિકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચની ટીમે ઉત્તરપ્રદેશ ઝડપી લીધો હતો. પાનનો ગલ્લાનો કબજો લેવા માટે પ્રયાસ કરતા રામુ અને આરોપી રામદયાલ તેના મિત્ર ડાકવા પ્રધાન સાથે મુસ્કાનની વચ્ચે ઝઘડો થયો હતો.


જેની અદાવત રાખીને તારીખ 3 જાન્યુઆરી 1994ના રોજ રામુ કાપડિયા હેલ્થ ક્લબ પાસે ગલ્લા પર હતો ત્યારે ડાકવા પ્રધાન સંતોષ મોતીરામ જયપ્રકાશ મૌર્ય અને બાબુ તે સાહુ સાથે પહોંચી ગયો અને રામુ પર છાતી અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી રામદયાલ શિવરામ પાંડે પોતના વતનમાં ભાગી ગયો હતો. 


ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતીકે આરોપી રામદયાલ પોતના વતનમાં છે બાતમીના આધારે પોલીસે ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લાના ખંડાસા થાનાના ભાવનગર ખાતે છાપો મારી આરોપી રામદયાલને પકડી પાડ્યો હતો. વર્ષ 2001ની સરપંચની ચૂંટણીમાં તેની સામે ઉભેલા ઉમેદવાર દિશેશ નરેન્દ્રબહાદુરની હત્યા કરી હતી​​​​​​​. 


પોલીસમાં પકડાયેલા આરોપી રામદયાલ સુરતથી ભાગ્યા બાદ પોતાના વતનમાં ગયો હતો. જ્યાં 2001માં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં તેની સામે ઉભેલા ઉમેદવાર દિશેશ નરેન્દ્રબહાદુર પાંડેની ગોળી મારી હત્યા કરી નાખી હતી. તેને સજા થઇ હતી અને 2021માં જેલમાંથી મુક્ત થયો હતો.