Gujarat Weather: શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 1થી 3 માર્ચની વચ્ચે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન છે.


હવામાન વિભાગ અનુસાર 1 લી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.


છેલ્લા કેટલાક દિવસોથી હળવી ગરમીનો અહેસાસ કરી રહેલા લોકોને વરસાદ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હળવા ઝરમર વરસાદ બાદ દિલ્હીમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે. દિલ્હી-એનસીઆરની સાથે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં વરસાદ, વીજળી અને કરા પડી શકે છે.


હવામાન સંબંધિત માહિતી આપતી સ્કાયમેટ અનુસાર, સોમવારે (27 ફેબ્રુઆરી) હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ હિમવર્ષાની સંભાવના છે.


સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, 1 અને 4 માર્ચની વચ્ચે પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થશે, પરંતુ 2 અને 3 માર્ચે ભારે વરસાદ અને હિમવર્ષા થશે. આ સિવાય આજે મંગળવારે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને બિહારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.


મેદાની વિસ્તારોમાં શિયાળાની કડકડતીમાંથી રાહત મળી હોવા છતાં વરસાદ ફરી એકવાર ઠંડીમાં વધારો કરી શકે છે. જો દિલ્હી NCRની વાત કરીએ તો આજે અહીં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડાના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.


જો કે દિલ્હીમાં લોકોને ઠંડીથી રાહત મળી છે, જે હવે તેના છેલ્લા તબક્કામાં છે, પરંતુ વરસાદને કારણે હળવી ઠંડી વધી શકે છે.