Crime News: રાજકોટમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્નીના હાથે પતિની હત્યા થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગત 11 સપ્ટેમ્બરની રાત્રે પત્ની વનીતાએ તેમના પતિ ભવાન નકુમ પર છરીનો ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ત્યારથી પતિ ભવાનભાઈ નકુમ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.


આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. પત્ની વનિતાએ પ્રથમ આ ઘટના સંતાડવા માટે પતિને પ્લમ્બિંગ કામ કરતી વખતે પેટમાં સળિયો ઘુસી ગયો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પતિએ ભાનમાં આવીને પોલીસ સમક્ષ સમગ્ર હકીકત જણાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. 


તો બીજી તરફ મૃતકની પત્ની વનીતા છ વર્ષ પહેલાં તેના પડોશમાં રહેતા જગદીશ નામના શખ્સ સાથે બે બાળકોને મૂકી ભાગી ગઈ હતી. છેલ્લા દોઢ માસ અગાઉ જ પતિ સાથે પરત રહેવા આવી હતી. હાલ પત્ની વનીતા  જેલમાં છે. ભવાનભાઈ નકુમનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


બોટાદના હિરા દલાલે વ્યાજખોરોના ત્રાસથી અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પીને જિંદગી ટૂંકાવી દીધી.  ઝેરી પાવડર પીધા બાદ તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જો કે દર્ભાગ્ચવશ તેમની જિંદગી ન બચાવી શકાય. હિરા દલાલ મુકેશભાઈ ઓળકિયાનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું.ઉલ્લેખનિય છે કે, હિરા દલાલ 9  જેટલા શખ્સો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા.હિરા દલાલને 9 વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા જેના ત્રાસથી આપઘાત કર્યાનું સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતકના પત્નીએ 9 શખ્સો વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંઘાવી છે. પોલીસે 9 વ્યાજ ખોરો વિરુદ્ધ કલમ 306,114, ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ -૩૩(૩),42(ડી) મુજબ  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વ્યારા તાલુકાના ઇન્દુગામે પતિ –પત્નીએ એકસાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે. ઇન્દુ ગામના હોળી ફળિયા ખાતે રહેતા અજય ગામીત અને મેઘના ગામિતએ  દંપતીએ ઘરેના રસોડાના સિલિંગ ફેનમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.   જો  કે પ્રાથમિક તપાસ દરમિયાન પણ હજું સુધી ક્યા કારણોસર આવું ઘાતક પગલું ભર્યુ તેનો ખુલાસો નથી થયો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ ન મળતાં પોલીસ ઘટનાના કારણો જાણવા તપાસ કરી રહી છે.