મેરઠના સૌરભ-મુસ્કાનનો મામલો હજુ શાંત થયો ન હતો કે બેંગલુરુમાં પતિ દ્વારા પત્નીની હત્યાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, એક ભયાનક ઘટનામાં મહારાષ્ટ્રના એક સોફ્ટવેર પ્રોફેશનલે ગુરુવારે બેંગલુરુમાં તેની પત્નીની તેના ઘરે છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી અને લાશને ટ્રોલી બેગમાં છૂપાવી દીધી હતી.

મહિલાના ગળા અને પેટમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા

પીડિતાની ઓળખ 32 વર્ષીય ગૌરી અનિલ સામ્બેકર તરીકે થઈ હતી. આરોપીની ઓળખ 36 વર્ષીય રાકેશ રાજેન્દ્ર ખેડકર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું છે કે તેના ગળા અને પેટમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા.

આરોપી પતિએ પોતે જ તેના સાસુ અને સસરાને હત્યાની વાત કરી હતી

પોલીસે જણાવ્યું કે આરોપીએ પોતે જ તેના સાસરિયાઓને જાણ કરી હતી કે તેણે તેમની પુત્રીની હત્યા કરી છે. આ પછી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે પત્નીની લાશને ટ્રોલી બેગમાં ભરી હતી. મૃત્યુનું કારણ જાણવા માટે અધિકારીઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

દક્ષિણ-પૂર્વ બેંગલુરુના ડીસીપીએ જણાવ્યું હતું કે 32 વર્ષીય મહિલા ગૌરી ખેડેકરનો મૃતદેહ બેંગલુરુના ડોડ્ડાનેકુંડી ગામમાં આંબેડકર એપાર્ટમેન્ટ પાસે મળી આવ્યો હતો. તે રાકેશ રાજેન્દ્ર ખેડેકર (36 વર્ષ) ની પત્ની હતી. તેનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો હતો. પતિ-પત્ની હુલીમાવુ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા. બંને મહારાષ્ટ્રના રહેવાસી હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે."

પતિ ફરાર, પોલીસે કેસની તપાસ શરૂ કરી

પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તેઓ મહિલાના પતિને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જે હજુ પણ ગુમ છે. વધુમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ પૂર્વ) સારા ફાતિમાએ જણાવ્યું હતું કે આ દંપતી મહારાષ્ટ્રનું હતું અને એક વર્ષ પહેલા બેંગલુરુ શિફ્ટ થયું હતું. સુટકેસમાં લાશ મળતાં ઘરના માલિકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક મહિલાએ માસ મીડિયામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને આરોપી પતિ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તે વર્કફ્રોમ કરી રહ્યો હતો. પીડિતાના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો છે.

પીડિતાના માતા-પિતાએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કર્યો

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ફરાર છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુનો કર્યા પછી આરોપીએ પીડિતાના માતા-પિતાને ફોન કર્યો હતો. પીડિતાના માતા-પિતાએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કર્યો, જેમણે કર્ણાટક પોલીસને જાણ કરી હતી. ડીસીપી ફાતિમા ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી. પોલીસને શંકા છે કે આરોપી રાકેશે બુધવારે (26 માર્ચ) મધ્યરાત્રિની આસપાસ આ હત્યા કરી હોઇ શકે છે.