Jammu Kashmir Encounter: જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના ગાઢ જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટર છેલ્લા 4 દિવસથી કઠુઆના જંગલોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારથી પાંચ આતંકવાદીઓ ગાઢ જંગલોમાં છૂપાયેલા હતા. સુરક્ષા દળોએ જુથાના વિસ્તારમાં તેમનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું, ત્યારબાદ ભારે ગોળીબાર શરૂ થયો હતો. આ એન્કાઉન્ટર હીરાનગર સેક્ટરથી લગભગ 30 કિમી દૂર જાખોલ ગામ પાસે થયું હતું. રવિવાર (23 માર્ચ) ના રોજ આ જ વિસ્તારમાં પહેલું એન્કાઉન્ટર થયું હતું, જેમાં આતંકવાદીઓને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
ભારતીય સેનાના ખાસ દળો આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશનમાં સામેલ થયા હતા. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) નલિન પ્રભાત પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ એ જ છે જે રવિવારે હીરાનગર એન્કાઉન્ટર દરમિયાન ભાગી જવામાં સફળ રહ્યા હતા.
આતંકીઓ પાસેથી M4 રાઇફલ અને ખાદ્ય પદાર્થો મળી આવ્યા
22 માર્ચથી સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ, સેના, NSG, BSF અને CRPF સાથે મળીને આ ઓપરેશન ચલાવી રહ્યા છે. યુએવી, ડ્રોન, બુલેટપ્રૂફ વાહનો અને અન્ય આધુનિક સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રવિવાર (23 માર્ચ) ના રોજ થયેલા એન્કાઉન્ટરમાં હીરાનગરના સાન્યાલ ગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હતા, ગુપ્ત માહિતીના આધારે SOG એ ઓપરેશન શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટર લગભગ 30 મિનિટ સુધી ચાલ્યું, પરંતુ આતંકવાદીઓ જંગલો તરફ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ થર્મલ ઇમેજિંગ, ડ્રોન, હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સની મદદથી મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સોમવારે હીરાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન M4 કાર્બાઇનના ચાર લોડેડ મેગેઝિન, બે ગ્રેનેડ, બુલેટપ્રૂફ જેકેટ, સ્લીપિંગ બેગ, ટ્રેકસુટ, ખાદ્ય પદાર્થો અને IED બનાવવાની સામગ્રી મળી આવી હતી.