વલસાડ: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં એક મિત્રએ તેના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું છે અને આ બે મિત્રોની બબાલમાં છોડાવનાર યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઉમરગામના ડમરૂ વાડી વિસ્તારમાં હાલ માતમ છવાયો છે. આ વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં અવંત છોટેલાલ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
બંને મિત્રો આંગણામાં પાર્ટી કરી રહ્યા હતા
આ અંગે સામે વિગત અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની અવંત પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી રોજગારી માટે ઉમરગામના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો. જો કે ગઈકાલ મોડી રાત્રે ચાકુ મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યારો બીજો કોઈ નહીં તેનો જ જીગરી મિત્ર અજીત ગણેશ પ્રસાદ હોવાનું બહાર આવ્યું છે. આ મર્ડરમાં ચોકાવનારી બાબતે એ છે કે બંને મિત્રો આંગણામાં પાર્ટી કરી રહ્યા હતા. અજીત અને અવંત વચ્ચે કોઈ બાબતે મગજમારી થઈ હતી અને બોલાચાલી બાદ અવંત અજીતના નાનાભાઈ કરણને ફરિયાદ કરવા ગયો હતો.
અજિતે અવંતની ચાકુ મારી હત્યા કરી નાખી
ત્યાર બાદ તેના મોટાભાઈ અજીતને સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો. પરંતુ અચાનક જ ફરી એકવાર અજીત અને અવંતમાં ફરી એકવાર બબાલ થઈ હતી અને આ બબાલમાં અજિતે અવંતની ચાકુ મારી હત્યા કરી નાખી હતી. આ આખી ઘટનામાં બંનેને છોડાવનાર અજીતનો નાનો ભાઈ કરણ પણ ઘાયલ થયો છે. ગુસ્સામાં અંધ બની ગયેલા અજિતે અવંત બાદ કરણને પણ હાથમાં અને પેટના ભાગે ચાકુના ઘા માર્યા હતા. પ્રત્યેક દર્શીના કહેવા મુજબ બંને મિત્રો અજીત અને અવંત પાર્ટી કરી રહ્યા હતા અને આ દરમિયાન એકબીજા પર કોઈ કારણસર ઉશ્કેરાઈ ગયા હતા અને આ નાનકડી અમથી બબાલમાં એક મિત્રએ તેના જ મિત્રની કરપીણ હત્યા કરી નાખી છે.
ઉમરગામના ડમરુ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઘાયલ અવંતને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે અવંત પ્રજાપતિને મૃત જાહેર કર્યો હતો. જેથી ઉમરગામ પોલીસે અવંત પ્રજાપતિનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી હત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ હત્યાકાંડને અંજામ આપનાર અજીત ગણેશ પ્રસાદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો છે ત્યારે ઘટનાના કલાકો વીત્યા બાદ પણ આરોપી અજીત પોલીસ પકડથી દૂર છે.