Iran Hijab Law: ઈસ્લામિક દેશ ઈરાનમાં છેલ્લા એકાદ મહિનાથી પણ વધારે સમયથી હિજાબ વિરુદ્ધ હિંસક દેખાવો ચાલી રહ્યા છે. સરકાર વિરોધીઓના અવાજને દબાવવા માટે બળપ્રયોગ કરવામાં કોઈ કસર નથી છોડી રહી. ઈરાનની પોલીસે મોટી સંખ્યામાં દેખાવકારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. જો કે તેમ છતાંયે વિરોધી ચડેલા લોકોનો રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આખરે સરકાર વિરોધીઓ સામે ઝૂકી રહી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.
લગભગ બે મહિનાથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ઈરાનની સરકારે હિજાબને ફરજિયાત બનાવતા દાયકાઓ જૂના કાયદાની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો છે. આ કાયદા હેઠળ ઈરાનમાં મહિલાઓએ માથું ઢાંકવું પડે છે. આ કાયદા હેઠળ જ 22 વર્ષીય મહસા અમીનીની ધરપકડ કરવામાં આવી હતી. મહેસાનું 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર પોલીસ કસ્ટડીમાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. મહસા અમીનના મોત બાદ લાખો લોકોએ રસ્તા પર ઉતરી આવીને સરકાર વિરૂદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતાં.
હિજાબનો કાયદો બદલાશે!
ન્યૂઝ એજન્સી એએફપીએ ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોંતાજેરીને ટાંકીને કહ્યું હતું કે, ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત દાયકાઓ જૂના હિજાબના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, સંસદ અને ન્યાયતંત્ર બંને આ દિશામાં કામ કરી રહ્યા છે. શું કાયદામાં કોઈ ફેરફારની જરૂર છે કે કેમ તે બાબત પર બંને વિચારણા કરશે. જ્યારે એક એજન્સીએ જણાવ્યું હતું કે, તેમણે સ્પષ્ટ નથી કર્યું કે, બંને સંસ્થાઓ (સંસદ અને ન્યાયતંત્ર) દ્વારા કાયદામાં શું સુધારા કરી શકાય છે.
રાષ્ટ્રપતિ રાયસીએ પણ આપ્યા સંકેત
ઈરાનના એટર્ની જનરલે કહ્યું હતું કે, એક-બે અઠવાડિયામાં જ કોઈ નક્કર નિર્ણય લેવાશે અને ચોક્કસ પરિણામ જોવા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સમીક્ષા દળે સંસદના સાંસ્કૃતિક આયોગ સાથે મુલાકાત યોજી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ પણ કાયદામાં સુધારો કરવાનો સંકેત આપ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ એક ટીવી ચેનલ પર કહ્યું હતું કે, ઈરાનના પ્રજાસત્તાક અને ઈસ્લામિક મૂળિયા બંધારણીય રીતે મજબૂત છે, પરંતુ બંધારણને યોગ્ય રીતે લાગુ કરવાની પદ્ધતિઓ પારદર્શી હોઈ શકે છે, તેનો ઉપયોગ કરવામાં આવશે.
1983 પહેલા હિજાબ અનિવાર્યો નહોતો
ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે ઈરાનમાં મહિલાઓ પશ્ચિમી દેશોની જેમ મુક્ત વાતાવરણમાં રહેતી હતી પરંતુ 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદ પરિવર્તન આવ્યું. ઇસ્લામિક ક્રાંતિએ અમેરિકા સમર્થિત રાજાશાહીને ઉથલાવી નાખી અને આયાતુલ્લા ખોમેનીએ સત્તા પોતાના હાથમાં લીધી. આયાતુલ્લાએ સૌપ્રથમ શરિયા કાયદો લાગુ કર્યો. એપ્રિલ 1983માં ઈરાનમાં તમામ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત બની ગયો હતો. હવે દેશમાં 9 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલા માટે હિજાબ પહેરવો ફરજિયાત છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરવું પડે છે.