અમદાવાદઃ ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનીયરિંગ તેના 75 વર્ષ પૂરાં થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલી (હીરક મહોત્સવ)ની ઉજવણી કરી રહી છે. આ ઉજવણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. એલડીસીઈના સ્થાપના દિવસ સમારોહ ‘સમર્પણ’માં ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ બાબતોના રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર, અરવિંદ લિમિટેડના એમડી અને અગ્રણી દાતા લાલભાઈ પરિવારના સભ્ય સંજયભાઈ લાલભાઈ, ધારાસભ્ય વિવેક પટેલ કે જેઓ પોતે પણ એલ. ડી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, ટેકનિકલ એજ્યુકેશનના ડિરેક્ટર શ્રી જી. ટી. પંડ્યા તથા એલ. ડી. એન્જિનીયરિંગ કૉલેજના અન્ય ઘણાં પ્રમુખ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને સમારંભને શોભાવ્યો હતો.
મુખ્યમંત્રીએ શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા સમારંભ દરમિયાન આ ભવ્ય સંસ્થાની શતાબ્દી યોજનાનું અનાવરણ કર્યું હતું. પ્રાસંગિક સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે ઘણું બધું કર્યું છે. સ્ટુડેન્ટ સ્ટાર્ટઅપ પૉલિસી 2.0 એ વિદ્યાર્થીઓના નવીનીકરણોને સમર્થન પૂરું પાડવાનો એક માર્ગ છે અને અમને આશા છે કે આગામી દિવસોમાં પણ આમ કરવાનું ચાલું રાખવામાં આવશે.’
શિક્ષણ મંત્રીએ શું કહ્યું
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એલ. ડી. એન્જિનીયરિંગ ખાતે બે નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી વતી હું જાહેર કરું છું કે, એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનીયરિંગ ખાતે બે નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે, (1) આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને (2) ઑટોમેશન એન્ડ રોબોટિક્સ.’ પોતાના સંબોધનમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘એલ. ડી. એન્જિનીયરિંગ કૉલેજ એ નવીનીકરણોનો સંચય છે. અહીંના લોકો હંમેશા જે કંઇપણ ઉપલબ્ધ હોય તેમાંથી શ્રેષ્ઠ બનાવવામાં વિશ્વાસ રાખે છે. સ્ટુડેન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી એ વિદ્યાર્થીઓના નવીનીકરણોને સમર્થન પૂરું પાડવાની દિશામાં ભરવામાં આવેલું એક પગલું છે અને મને આશા છે કે, આ સંસ્થામાંથી મહત્તમ સ્ટાર્ટઅપ્સ સ્થપાશે. આ ઉપરાંત, સરકારે વર્ષ 2022-2023 માટે ‘GATI’ ઇમર્જિંગ ટેકનોલોજી લેબીની વહીવટી પરવાનગી પણ ચાલું રાખી છે.’
આ પ્રોગ્રામના ભાગરૂપે એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનીયરિંગે વીઓએસએપી સાથે ભેગા મળીને ઇન્ટરનેશનલ હેકેથોન લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેથી કરીને દિવ્યાંગોને પરિવહન, સંદેશાવ્યવહાર અને શીખવા માટે સક્ષમ બનાવવામાં મદદરૂપ થવા ટેકનોલોજીથી સક્ષમ ઉકેલો વિકસાવી શકાય. અહીં એક નોંધવા જેવી મહત્ત્વની બાબત એ છે કે, વીઓએસએપીની સ્થાપના એલડીસીઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રણવ દેસાઈએ સ્થાપી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ એલડીસીઈ કનેક્ટ મોબાઇલ એપ્લિકેશ લૉન્ચ કરી હતી, જેથી કરીને રીયલ ટાઇમ અપડેટ મળી રહે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ડિરેક્ટરી સહિત કૉલેજ સંબંધિત તમામ માહિતી સુલભ થઈ શકે તે માટે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડી શકાય અને એક જ મોબાઇલ પ્લેટફૉર્મ પર લાવી શકાય. અહીં નોંધવા જેવી મહત્ત્વની વાત એ છે કે, આ એપ્લિકેશનને ડીઇવી આઇટી લિમિટેડના સમર્થનની સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ વિકસાવવામાં આવી છે, જે કૉલેજના આત્મનિર્ભરતા અને સહયોગના મૂળભૂત મૂલ્યોને અનુરૂપ છે.
1948માં એલડીસીઈની થઈ હતી સ્થાપના
એન્જિનીયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી વર્ષ 1948માં એલડીસીઈની સ્થાપના થઈ હતી, ત્યારથી તેણે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા તેનું સંચાલન થાય છે.
Education Loan Information:
Calculate Education Loan EMI