અમદાવાદ: વૈદિક ગણિત ગણવા માટેની એક એવી પદ્ધતિ છે જેમાં જટિલ અંકગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરિત બને છે. તેમાં સોળ સરળ ગણિતીય સૂત્ર દ્વારા ગણતરી કરવામાં આવે છે અને સેકંડોમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકાય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આગામી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી રાજ્યની તમામ સ્કૂલોમાં વૈદિક ગણિત ભણાવાશે. સરકારે કરેલી જાહેરાત મુજબ તબક્કાવાર અમલ કરાશે અને ફરજીયાત અમલ કરવાનો રહેશે. પ્રથમ તબક્કામાં ૨૦૨૨-૨૩થી ધો.૬,૭ અને ધો.૯માં ભણાવાશે.ઉપરાંત સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત તબક્કાવાર પસંદ થનાર ૨૦ હજાર સરકારી અને ગ્રાન્ટેડ વૈદિક ગણિતનો ફરજીયાત અમલ કરાશે.


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે વિધિવત ઠરાવ કરીને સ્કૂલો માટે મહત્વની જાહેરાત કરાઈ છે.જે મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી વૈદિક ગણિતનું સ્કૂલોમાં તબક્કાવાર અમલીકરણ કરવામા આવશે. પ્રથમ તબક્કામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૬,૭ અને ધો.૯માં તેમજ બીજા તબક્કામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધો.૮ અને ધો.૧૦માં વૈદિક ગણિત ભણાવાશે.  શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રથમ તબક્કે ધો.૭ અને ૯માં અને પછીના વર્ષોમાં જરૃરિયાત મુજબ  અન્ય ધોરણમાં  પણ બ્રીજ કોર્સ કરાવવાનો રહેશે.


રાજ્ય શિક્ષણ સેક્રેટરી વિનોદ રાવના કહેવા મુજબ, ધોરણ 10માં ગણિતની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી નાપાસ થતાં હોવાથી આ ફેંસલો લેવામાં આવ્યો છે. માર્ચ 2020માં યોજાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 3.10 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બુધવારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.






અભ્યાસક્રમ અંગેની જરૃરિયાત મુજબની તાલીમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ-જીસીઈઆરટી દ્વારા યોજવાની રહેશે. ધો.૬થી૮ માટેનું વૈદિક ગણિતનું તમામ પ્રકારનું સાહિત્ય જીસીઈઆરટી દ્વારા અને ધો.૯ તથા ધો.૧૦ માટેનું સાહિત્ય  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવાનું રહેશે. શાળાઓમાં વૈદિક ગણિત આધારિત વિશેષ દિન ઉજવણી, ક્વિઝ અને કોયડા ઉકેલ જેવી વિવિધ સ્પર્ધાઓ અને ગણિત પ્રદર્શન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સ્કૂલોમાં યોજવાની રહેશે.


 વૈદિક ગણિત માટેનું પ્રિન્ટિંગ અને વિતરણનું કામ ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા કરવામા આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા ગુજરાતમાં સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ જાહેર કરાયો છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત તબક્કાવાર પસંદ થનારી ૨૦ હજાર  સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વૈદિક ગણિતનો ફરજીયાત અમલ કરવામા આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI