નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડ્યા પહેલાં જ ત્રણ સીટો પર કબ્જો મેળવી લીધો છે. લોકસભા ચૂંટણીની સાથો સાથ અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ ક્રમમાં રાજ્યની દિરાંગ વિધાનસભા સીટ પર ભાજપ ઉમેદવાર ફુરપા સેરિંગનો નિર્વિરોધ જીતવાનું નક્કી છે. તેમની વિરૂદ્ધ મેદાનમાં ઉભેલા બે ઉમેદવારોએ ગુરૂવારના રોજ પોતાના નામાંકન પત્ર પાછા ખેંચી લીધા છે. જોકે ચૂંટણી પંચની તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આપી નથી.




ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે. આ પહેલાં ગઈ 26મી માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ માહિતી આપી હતી કે, આલો ઈસ્ટ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર કેંટો જિની નિર્વિરોધ પસંદ થયા છે.



અરૂણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો અને બે લોકસભા સીટો પર 11 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. તેના માટે નામાંકનની છેલ્લી તારીખ 25મી માર્ચ હતી. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 28મી માર્ચ હતી. આલો ઈસ્ટમાં માત્ર ભાજપ ઉમેદવારે જ નામાંકન કર્યું હતું જ્યારે બીજી બે સીટો પર હરિફોએ નામાંકન પાછા ખેંચી લીધા છે.



ભાજપના ત્રીજા ઉમેદવારે જે નિર્વિરોધ પસંદ થયા છે તેમનું નામ તાબા તેદિર છે જે યાચુલી વિધાનસભા સીટથી ઉમેદવાર હતા. જોકે પંચે અત્યારે તેમની પસંદગીની માહિતી આપી નથી. 2014માં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 11 ઉમેદવાર નિર્વિરોધ પસંદ થયા હતા.