Lok Sabha Elections Result 2024: તમામ એક્ઝિટ પોલ અને NDA ગઠબંધનમાં સામેલ પક્ષોના દાવાઓને ફગાવીને જનતાએ લોકસભા ચૂંટણી 2024માં સંપૂર્ણપણે અલગ પ્રકારનો જનાદેશ આપ્યો છે. ચૂંટણી પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ 300નો આંકડો પણ સ્પર્શી શક્યું નથી. જો કે, ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું આગળ છે. આ પરિણામોમાં 4 એવા ઉમેદવારો હતા જેઓ સૌથી નાની ઉંમરે ચૂંટણી જીત્યા છે. આ ચાર યુવા ચહેરાઓ હવે લોકસભામાં જોવા મળશે. આ તમામની ઉંમર માત્ર 25 વર્ષની છે.


આ ચાર ઉમેદવારો (પુષ્પેન્દ્ર સરોજ, પ્રિયા સરોજ, શાંભવી ચૌધરી અને સંજના જાટવ) હવે 18મી લોકસભામાં સૌથી યુવા સાંસદ બનવા જઈ રહ્યા છે. પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજે સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (LJP)ના શાંભવી ચૌધરી અને સંજના જાટવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.


1. પુષ્પેન્દ્ર સરોજ
ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજ જીતનાર સૌથી યુવા ઉમેદવાર બની ગયા છે. પુષ્પેન્દ્ર સરોજની ઉંમર 25 વર્ષ 3 મહિના છે. તેમનો જન્મ 1 માર્ચ 1999ના રોજ થયો હતો. પુષ્પેન્દ્ર સરોજ પૂર્વ મંત્રી ઈન્દ્રજીત સરોજના પુત્ર છે. આ વખતે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પુષ્પેન્દ્ર સરોજે 2019માં પિતાની હારનો બદલો લઈ લીધો છે. પુષ્પેન્દ્ર સરોજે યુપીની કૌશામ્બી લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરને 1.03 લાખ મતોના માર્જિનથી હરાવ્યા છે. ગત વખતે અહીંથી ઈન્દ્રજીત સરોજનો પરાજય થયો હતો.


2. પ્રિયા સરોજ
ઉત્તર પ્રદેશની મચલીશહર લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર પ્રિયા સરોજ એ ચાર ઉમેદવારોમાં સામેલ છે જેમણે સૌથી નાની ઉંમરે લોકસભા ચૂંટણી જીતી છે. પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના છે. તેમણે ભાજપના વર્તમાન સાંસદ ભોલાનાથને 35,850 મતોના અંતરથી હરાવ્યા છે. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. વારાણસીના પિન્દ્રા તાલુકાના કારખિયાંવ ગામની રહેવાસી પ્રિયા સરોજ છેલ્લા 7 વર્ષથી સમાજવાદી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ભાગ લઈ રહી છે. એલએલબીની ડિગ્રી મેળવનાર પ્રિયા સરોજે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્કૂલિંગ કર્યું છે. તે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી ચૂકી છે.


3. શાંભવી ચૌધરી
પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલની ​​પુત્રવધૂ શાંભવી ચૌધરીએ આ વખતે ચિરાગ પાસવાનની એલજેપી ટિકિટ પર ચૂંટણી લડી હતી અને માત્ર 25 વર્ષની ઉંમરે જીતી હતી. બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પરથી જીતેલી શાંભવીએ કોંગ્રેસના સની હજારીને 187251 મતોથી હરાવ્યા છે, તે બિહારમાં નીતિશ કુમારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીની પુત્રી છે. અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી જેડીયુમાં જોડાયા હતા. શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. એટલે કે તે તેના પરિવારની ત્રીજી પેઢીની નેતા છે. શાંભવી ચૌધરીએ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી આર્ટ્સમાં MA કર્યું છે.


4. સંજના જાટવ
રાજસ્થાનની ભરતપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર સંજના જાટવ 25 વર્ષની ઉંમરે જીતવામાં સફળ રહી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રામસ્વરૂપ કોલીને 51,983 મતોના માર્જિનથી હરાવ્યા. ગયા વર્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ તેણે નસીબ અજમાવ્યું હતું. જો કે તે દરમિયાન તેમને માત્ર 409 વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો.