અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતરાણ બાદ તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. જ્યાંથી તેઓ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. આ દરમિયાન જંગી મેદનીએ મોદી-શાહને આવકાર્યા હતા. મોદી-શાહનો કાફલો જ્યાંથી પસાર થયો ત્યાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
સુરતની ઘટના ભલભલાના હૈયા હચમચાવી નાંખી તેવીઃ મોદી
ખાનપુર જેપી ચોકમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું, ગઇકાલથી હું દ્વિધામાં હતો, કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં. એક તરફ કર્તવ્ય બીજી તરફ કરૂણા. સુરતની ઘટના ભલભલાના હૈયા હચમચાવી નાંખી તેવી. અનેક કુટુંબોનો દીપ બુજાઈ ગયો. એક પ્રકારે એ પરિવારના આશા, અરમાન ભસ્મિભૂત થઈ ગયા. જેટલુ પણ દુઃખ, સંવેદના વ્યક્ત કરીએ તેટલી ઓછી છે. પરિવાર પર આવેલી આફતમાં આપણે ઇશ્વરને પ્રાર્થના કરી શકીએ એ પરિવારજનોને આ ભયંકર આઘાતમાં ટકી રહેવાની ઇશ્વર શક્તિ આપે.
સંગઠનના સંસ્કાર અહીંથી મળ્યા
આ ધરતી માટે મારો કર્તવ્યભાવ છે. તમારા આશીર્વાદ મારી અપારશક્તિ છે. અહીંથી સંગઠન કૌશલ્ય મળ્યું, સંગઠન માટે જીવવું, અવિરત પ્રવાસ કરવો આવી અનેક બાબતો આ મકાનમાંથી શીખ્યા. એમ કરતાં કરતા દેશની જનતા જવાબદારી વધારતી ગઈ અને સંભાળતા ગયા. 2014માં આપ સૌએ મને વિદાય આપી અને મને બરાબર યાદ છે, ઘરનો દીકરો ગમે તેટલો મોટો થાય પણ વિદાય એ વિદાય હોય. ભારે હૈયે વિદાય આપી પણ સાથે સાથે વિદાય આપનારાની આંખમાં વિશ્વાસ હતો નરેન્દ્રભાઈ જાય છે તો કંઇક સારું કરશે. તમારી પાસેથી જે શીખ્યો તે શિક્ષણ આજે ખૂબ લેખે લાગે છે. પ્રજાનો વિશ્વાસ જીતવા શબ્દોના સાથિયાથી કામ નથી થતું.
ગુજરાતની સિદ્ધીની સુવાસ મારા પહોંચતા પહેલા દેશના ખૂણે ખૂણે પહોંચી ગઇ હતી
2014માં દેશ મને નહોતો ઓળખતો પરંતુ 2014ની ચૂંટણીમાં દેશ આખો ગુજરાતને ઓળખતો હતો. ગુજરાતની સિદ્ધીની સુવાસ મારા પહોંચતા પહેલા દેશના ખૂણે ખૂણે પહોંચી ગઇ. તેથી 2014ની ચૂંટણીમાં જે જનાદેશ મળ્યો તેમાં ગુજરાતની ગાથા, ગુજરાતની વિકાસયાત્રા હતી.
છઠ્ઠા તબક્કા બાદ મેં કહ્યું હતું કે, 300થી વધુ સીટ જીતીશું
છઠ્ઠા તબક્કા બાદ મેં કહ્યું હતું કે, 300થી વધુ સીટ જીતીશું. લોકોએ મારી મજાક ઉડાવી પરંતુ રિઝલ્ટ તમારી સામે છે. આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના છે. 1742થી 1947 વાળી જનભાગીદારી જોઈએ. મેં રાષ્ટ્રીય પ્રમુખને કહ્યું હતું આપણે ચૂંટણી નથી લડતા આ દેશની ચૂંટણી દેશની જનતા લડે છે. મારો મંત્ર એક રાહ, એક લક્ષ્ય અને એક સંકલ્પ છે. જનતાનો આભાર માની મોદીએ સંબોધન પૂર્ણ કર્યુ હતું.
શું કહ્યું અમિત શાહે
અમિત શાહે પણ તેમના ભાષણની શરૂઆતમાં સુરતમાં બનેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ ગુજરાતનું ગૌરવ છે, તેમના કારણે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે. ગુજરાતમાં ભાજપનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું, તેમના સંગઠનાત્મક નેતૃત્વની અંદર ભાજપે તેની વિકાસયાત્રા શરૂ કરી
2001માં મોદી સીએમ બન્યા અને 2014 સુધી ગુજરાતની અંદર વણથંભી વિકાસની યાત્રા શરૂ કરી તેને સમગ્ર દેશની અંદર પહોંચાડ્યો. એક જમાનામાં ગુજરાત સમગ્ર દેશમાં કર્ફયુથી જાણીતું હતુ, રથયાત્રા કાઢતી વખતે પણ તકલીફો પડતી હતી. મોદી સીએમ બન્યા ત્યારથી આ બંધ થઈ ગયું.
નીચે વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર છે, ઉપર આપણા નરેન્દ્રભાઈની સરકાર બનવાની છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું ગુજરાતની જનતાનો આભાર માનવા આવ્યો છું. વર્ષ ૨૦૧૪ની ચૂંટણી પછી વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં પણ આપેલા અદભૂત જનાદેશ બદલ આપ સૌનો આભાર માનું છું. હું ગાંધીનગર લોકસભાથી ચૂંટણી લડેલો, ગાંધીનગરની જનતાએ આ વખતે પણ મન ખોલીને આશીર્વાદ આપ્યા છે, હું ગાંધીનગરની જનતાનો હૃદયથી આભાર માનું છું. નીચે વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર છે, ઉપર આપણા નરેન્દ્રભાઈની સરકાર બનવાની છે.
આતંકીના છક્કા છોડાવનારા, 56ની છાતી ધરાવતા મોદીના નેતૃત્વમાં લોકોએ મુક્યો પ્રચંડ વિશ્વાસઃ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 2019ની ચૂંટણી ભારત માટે મહત્વની ચૂંટણી હતી. સચ્ચાઈ, ઈમાનદારી, ચોકીદાર અને આતંકીઓના છક્કા છોડાવનાર છપ્પનની છાતી એવા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોએ પ્રચંડ વિશ્વાસ મુક્યો. ગુજરાતની જનતા એ ૨૬ માંથી ૨૬ લોકસભા જીતાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપા પર વિશ્વાસ રાખીને જે જંગી બહુમતી અપાવી છે તે બદલ હું સમગ્ર રાજ્યની જનતાનો આભાર માનું છું. ૨૦૧૯ની ચૂંટણી ભારત માટે ખૂબ મહત્વની ચૂંટણી હતી. દેશના નાગરિકોએ પ્રચંડ બહુમત આપીને એક ફકીરની ઝોળી ભરી દીધી છે.
છઠ્ઠા તબક્કા બાદ મેં કહ્યું હતું કે, 300થી વધુ સીટ જીતીશુંઃ ખાનપુરમાં મોદી
જીતને પચાવવાની તાકાત હોવી જોઈએ, આગામી 5 વર્ષનો સમયગાળો ખૂબ મહત્વનોઃ મોદી
abpasmita.in
Updated at:
26 May 2019 08:25 PM (IST)
છઠ્ઠા તબક્કા બાદ મેં કહ્યું હતું કે, 300થી વધુ સીટ જીતીશું. લોકોએ મારી મજાક ઉડાવી પરંતુ રિઝલ્ટ તમારી સામે છે. આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -