નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજકારણ અને દેશની નહીં પરંતુ અંગત જીવન વિશેની વાતો કહી હતી.

વાતચીત દરમિયાન એક મુદ્દો એવો પણ નીકળ્યો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષય કુમારને હસતાં હસતાં તેની પત્ની ટ્વિકંલ ખન્ના દ્વારા તેના વિશે અવાર નવાર કરાતા ટ્વિટ્સની વાત કહી હતી.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, હું તમને(અક્ષય કુમાર) અને તેમને(ટ્વિકંલ ખન્ના)ને પણ ફોલો કરું છું. જેવી રીતે તેણી મારા પર નિશાન સાધે છે તેના પરથી મને લાગે છે કે તમારા ઘરે શાંતિ રહેતી હશે. કારણ કે ટ્વિકંલનો બધો ગુસ્સો મારા પર જ નીકળો હશે અને તમે ઘરે શાંતિનો અનુભવ કરતા હશો. આ જવાબ સાંભળીને અક્ષય કુમાર અને નરેન્દ્ર મોદી બંને હસી પડ્યાં હતાં.

ટ્વિકંલ ખન્ના પણ મોદીની આ વાતનો જવાબ આપવાનું ચુકી ન હતી. નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ પ્રસારિત થયા બાદ ટ્વિકંલે ટ્વિટર પર લખ્યું હતું કે, હું આ આખી વાતને ખૂબ જ હકારાત્મક રીતે જોઈ રહી છું. મને આનંદ છે કે મારી હયાતીની નોંધ લેવા ઉપરાંત પીએમ મોદી મારા કામની નોંધ પણ લઈ રહ્યા છે.