અમદાવાદઃ ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો માહોલ તેના ચરમ પર છે. ભાજપ અને કૉંગ્રેસ પોતાનું પલડું મજબૂત કરવા અને ગમે તે કરીને જીતવા માટે દમ લગાવી રહી છે. ત્યારે કૉંગ્રેસ માટે વધુ એક ફટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કૉંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાજીનામુ આપે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. ઠાકોર સેનાની કૉર કમિટીની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.



છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને કોરાણે મુકવામાં આવ્યો છે. લગભગ 24 કલાકમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. જોકે કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોર દ્વારા હજુ સત્તાવાર નિવેદન નથી આવ્યું. પરંતુ ક્ષત્રિય સેનાના મંત્રી દ્વારા જ આ રીતનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ નિર્ણય ઠાકોર સેનાની મીટિંગમાં કરવામાં આવ્યો છે, એટલે અલ્પેશ ઠાકોર અગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે. કહેવાય છે કે, અલ્પેશની સાથે સાથે ત્રણ ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે.



જે રીતે અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. તે જોતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે ઠોકોર સેનાની કોર કમીટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં અલેપેશના સમર્થક લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને અલ્પેશ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર નહી કરે અને તેમને જીડાવા પ્રચાર કરશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.



સૂત્રોનાં કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે એટલું જ નહીં, પરંતુ તે ભાજપમાં પણ જોડાશે. કહેવામાં આવ્યું રહ્યું છે કે અલ્પેશનું રાજીનામું ‘ઑપરેશન રાધનપુર’નો ભાગ હોઇ શકે છે. આ પહેલા પાટણ લોકસભા લડવા મુદ્દે અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસ વચ્ચે નારાજગી હતી, ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે.