અમદાવાદ: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપે પોતાની પહેલી યાદી જાહેરા કરી હતી જેમાં ઘણાં નેતાઓના પત્તા કપાઈ ગયા હતાં. જેમાં ગાંધીનગર બેઠક પરથી સતત જીત મેળવનાર લાલકૃષ્ણ અડવાણીનું પણ પત્તું કપાઈ ગયું હતું. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપમાંથી કોણ ચૂંટણી લડશે તેની કેટલાયે દિવસથી અટકળો ચાલતી હતી જોકે તે અટકળોનો અંત આવ્યો હતો. ગાંધીનગર બેઠક પરથી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે.




લોકસભા ચૂંટણી 2019 માટે બીજેપીએ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના આ લિસ્ટમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટીકિટ કાપી નાખવામાં આવી છે. ગુજરાતની ગાંધીનગર સીટ પરથી અડવાણીના સ્થાને અમિત શાહ ચૂંટણી માટે ઉતરશે.



બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 1998થી સતત પાંચ વખત ગાંધીનગર બેઠક પરથી સાંસદ રહ્યા છે. અડવાણી દેશના ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ રહ્યા છે. તેઓ છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. 80ના દશકના અંતમાં બીજેપીની સ્થાપના થઈ હતી. બીજેપીના ઉદય બાદ 1984ની લોકસભા ચૂંટણીમાં ફક્ત બે સીટો જીતી હતી. આ બે સીટો જીતવાનો શ્રેય પણ અડવાણીને આપવામાં આવે છે.



1991માં પ્રથમ વખત ગાંધીનગર સીટથી લોકસભા ચૂંટણી લડ્યા બાદ અડવાણીએ 1999, 2004, 2009 અને 2014માં ગાંધીનગર લોકસભા સીટથી સતત જીત મેળવી હતી. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં નામ આવતા 1996માં તે ચૂંટણી લડ્યા ન હતા. તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ગાંધીનગર અને લખનઉ સીટથી ચૂંટણી લડ્યા હતા અને બંને પર જીત મેળવી હતી.