ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નિતિન ગડકરી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન સહિત પ્રકાશ સિંહ બાદલ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહશે. અમિત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે અને આવતીકાલે અમદાવાદમાં મેગા રોડ શો કરી ગાંધીનગર ઉમેદવારી પત્ર ભરશે.


ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. અડવાણી 1998થી આ બેઠક પરથી પ્રતિનિધત્વ કરતા આવ્યા હતા. અમિત શાહ હાલમાં ગુજરાતથી રાજ્યસભા સભ્ય પણ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શુક્રવારે કહ્યું હતું કે શાહની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે ભાજપના સહયોગી દળોના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ તમામ નેતાઓ અમદાવાદમાં એક રોડ શોમાં ભાગ લે તેવી સંભાવના છે. શાહનો રોડ શો નારણપુરા સરદાર પટેલ પ્રતિમાંથી શરૂ થઈને ઘાટલિયામાં પૂર્ણ થશે. રોડ શો પહેલા અમિત શાહ લોકોને પણ સંબોધન કરશે.

અમિત શાહ આવતી કાલે મેગા રોડ શો કરી ભરશે ઉમેદવારી પત્ર, જુઓ વીડિયો