Andhra Pradesh CM Oath: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ આજે બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે, આજે રાજ્યને નવી સરકાર અને નવા મુખ્યમંત્રી મળ્યા છે. રાજ્યપાલ એસ.અબ્દુલ નઝીરે આજે ચંદ્રાબાબુ નાયડુને મુખ્યમંત્રી પદ માટે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વળી, આજે દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના સ્થાપક પવન કલ્યાણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 


ખાસ વાત છે કે, આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્ના, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મંત્રીઓએ હાજરી આપી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં લોકોનું સૌથી વધુ ધ્યાન પીએમ મોદીની સાથે મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના ભાઈ પવન કલ્યાણ પર હતું.


બન્ને ભાઇઓની સાથે PM એ કર્યુ જનતાનું અભિવાદન 
આજે આ શપથ ગ્રહણ સમારોહનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પવન કલ્યાણ સ્ટેજ પરથી પાછા જતા જ પીએમ મોદી તેનો હાથ પકડીને પોતાની સાથે લઈ જાય છે. પછી તે તેના મોટા ભાઈ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવી પાસે જાય છે. આ પછી પીએમ મોદીએ સ્ટેજ પરથી ચિરંજીવી અને પવન કલ્યાણનો હાથ પકડીને લોકોનું અભિવાદન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ભાઈઓને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.






ચૂંટણીમાં જનસેનાની સ્ટ્રાઇક રેટ 100 ટકા રહી 
રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી જનસેના પાર્ટીના સ્થાપક પવન કલ્યાણ તેમના મોટા ભાઈ મેગાસ્ટાર ચિરંજીવી પાસે ગયા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. 2024ની વિધાનસભા ચૂંટણીમાં પવન કલ્યાણની જનસેના પાર્ટીએ 21 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો જીતી હતી, જ્યારે તેણે લોકસભાની બે બેઠકો પર ચૂંટણી લડી હતી, અને બંનેમાં જીત મેળવી હતી. આ રીતે પવન કલ્યાણની પાર્ટીની ચૂંટણીમાં જીતનો સ્ટ્રાઈક રેટ 100 ટકા હતો. વિજયવાડામાં ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત સમારોહમાં કુલ 24 NDA મંત્રીઓએ શપથ લીધા. મંત્રીઓમાં જનસેનાના 3 અને ભાજપના એક મંત્રીનો સમાવેશ થાય છે.