નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ એક દિવસ તેમની પણ હત્યા કરાવી શકે છે. કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમના જીવ પાછળ પડી છે અને તેમની હત્યા કરવામાં આવી શકે છે.
પંજાબમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ વાતચીતનો આખો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, મુખ્યમંત્રી રહેતા તેમના પર પાંચ હુમલાઓ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે, એવુ 70 વર્ષમાં નથી થયું કે કોઇ રાજ્યના મુખ્યમંત્રી પર પાંચ-પાંચ વખત હુમલા થયા હોય.
કેજરીવાલે સવાલ ઉઠાવ્યો છે કે આખરે આ હુમલાઓ કેમ થઇ રહ્યા છે. મેં ખોટું શું કર્યું છે. મને કોઇ કેમ મારશે. તેમણે કહ્યું કે, હું એકલો મુખ્યમંત્રી હોઇશ જેની સિક્યોરિટી તેના કબજામાં નથી. આ જેટલા લોકો આગળ પાછળ ઘૂમી રહ્યા છે તે તમામ લોકો ભાજપની સરકારોને રિપોર્ટ કરે છે. મારો પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. ક્યાંક ઇન્દિરા ગાંધીની જેમ ભાજપવાળા મારા પીએસઓની મદદથી મારી હત્યા કરાવી ના દે. મારી લાઇફ બે મિનિટની અંદર ખત્મ થઇ શકે છે.