નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી ખત્મ થવા પર ચૂંટણી પંચમાં પણ મતભેદ સામે આવ્યો છે. ચૂંટણી પંચના આચાર સંહિતા તોડવા સંબંધી અનેક નિર્ણયો પર અસહમતિ વ્યક્ત કરનારા ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાને પત્ર લખીને માંગ કરી છે કે ચૂંટણી પંચના નિર્ણયમાં કમિશનરો વચ્ચે મતભેદને પણ સતાવાર રેકોર્ડમાં સામેલ કરવામાં આવવો જોઇએ. ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે થનારી મીટિંગમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપવા મામલે અસહમતી દર્શાવ્યા પછી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે આ વિશે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને પત્ર પણ લખીને જાણ કરી છે.


અશોક લવાસા દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની રેસમાં છે અને સૂત્રોના મતે લવાસા આચાર સંહિતાના ભંગની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને સતત ક્લિન ચીટ આપવા અને વિરોધી પક્ષોના નેતાઓને નોટિસ આપવાના વિરુદ્ધમાં  રહ્યા છે.

ચૂંટણી  પંચના નિર્ણયને લઇને ઉભા થયેલા વિવાદ વચ્ચે લવાસાના પત્રનો જવાબ  આપતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે ચૂંટણી પંચમાં ત્રણ સભ્ય હોય છે અને ત્રણેય એકબીજાના ક્લોન હોઇ શકે નહીં. હું કોઇ પણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી. તમામ ચીજનો સમય હોય છે. ચૂંટણી પંચમાં ટોચના અધિકારીઓ  વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે 21 મેના રોજ ચૂંટણી પંચની મહત્વની  બેઠક થશે. આ બેઠકમાં  લવાસા  સામેલ થાય છે કે તેના પર તમામની નજર છે.

વિવાદના કેન્દ્રમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ભંગ મામલામાં ચૂંટણી પંચ દ્ધારા ક્લિન  ચીટ આપવાને છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયાના કેટલાક હિસ્સામાં  આજે આચાર સંહિતાના સંદર્ભમાં ચૂંટણી પંચની  અંદર કામકાજને લઇને એક એવા વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ટાળી શકાતો હતો.