નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવતાં ક્ષેત્રીય દળોએ પોતાની રણનીતિ તૈયાર ઘડવાનું શરૂ કરી દીધું છે. જોકે કયા પક્ષ સાથે રહેવું તે 23 તારીખ બાદ જ ખબર પડશે. ભાજપ અને એનડીએ માટે ઓરિસ્સાથી સારા સમાચાર સામે આવ્યા છે.

ઓરિસ્સાની મુખ્ય પાર્ટી બીજેડીએ મહત્વના સંકેત આપ્યા છે કે, જો 23 મે બાદ પરિણામો એક્ઝિટ પોલ જેવા જ રહ્યા અને NDA કેન્દ્રમાં સરકાર બનાવશે તો તે સરકારમાં સામેલ થઈ શકે છે.

બીજેડી પ્રવક્તાએ અમર પટનાયકે કહ્યું હતું કે, અમે ગઠબંધનનું સમર્થન કરીશું જે અમારી માંગણીઓ પુરી કરશે. જો NDAની સરકાર બનશે તો અમે તેને સમર્થન આપી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે અમારી સમસ્યાઓ જેવી કે સ્પેશિયલ કેટેગરીને સમજશે અમે તેની સાથે જઈશું.

બીજેડી પ્રવક્તા અમર પટનાયકે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાર્ટી એ જ દળ કે ગઠબંધનનું સમર્થન કરશે જે દિલ્હીમાં સરકાર બનાવશે. આ સમર્થનની એક શરત પણ રહેશે. જે કોઈ પક્ષ કે દળ સરકાર રચાયા બાદ ઓરિસ્સાના વણ ઉકેલાયેલા અને વર્ષોથી પડતર પડેલા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે તેને અમારું સમર્થન રહેશે.