ભુવનેશ્વર:ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યપાલ રઘુબર દાસને આજે  પોતાનું રાજીનામું સોંપ્યું છે. બીજેડી ઓડિશા વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે. રાજ્યની કુલ 147 બેઠકોમાંથી તેને માત્ર 51 બેઠકો મળી છે. જ્યારે ભાજપ ઓડિશામાં 147માંથી 78 બેઠકો જીતીને રાજ્યમાં સત્તામાં આવી છે. તેણે છેલ્લા 24 વર્ષથી શાસન કરતી બીજેડીને હટાવીને સત્તા કબજે કરી છે. મુખ્ય પ્રધાન અને બીજેડીના વડા નવીન પટનાયક હિંજિલી વિધાનસભા બેઠક પરથી જીત્યા, પરંતુ કાંતાબાંજીથી ચૂંટણી હારી ગયા.                                                                   


કમિશનના ડેટા અનુસાર, કોંગ્રેસને 14 બેઠકો મળી હતી જ્યારે સીપીઆઈ(એમ)ને એક બેઠક મળી હતી. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. જો આંકડાઓ પર નજર કરીએ તો 2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 113 સીટો, ભાજપને 23 સીટો અને કોંગ્રેસને 9 સીટો મળી હતી. 2000માં ઓડિશામાં બીજેપી-બીજેડી ગઠબંધન સત્તામાં આવ્યું અને નવીન પટનાયક મુખ્યમંત્રી બન્યા. 2009માં, BJDએ બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ જતાં તેનો 11 વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો હતો. પટનાયકે રાજ્યમાં ત્યારપછીની ચૂંટણી જીતી હતી.


રસપ્રદ વાત એ છે કે, આ વર્ષની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા જ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની વાતચીત શરૂ થઈ ગઈ હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી. જો કે, આ વખતે બીજેડી સુપ્રીમો પોતાની પાર્ટીને જીત સુધી લઈ જઈ શક્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના લોકોનો આભાર માન્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે તેમની પાર્ટી તેમના સપના પૂરા કરવામાં કોઈ કસર છોડશે નહીં. 'X' પર એક સંદેશમાં વડાપ્રધાને કહ્યું, 'ધન્યવાદ ઓડિશા! સુશાસન અને ઓડિશાની અનન્ય સંસ્કૃતિની ઉજવણી માટે આ એક મોટી જીત છે. લોકોના સપનાઓને સાકાર કરવા અને ઓડિશાને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભાજપ કોઈ કસર છોડશે નહીં.' મોદીએ કહ્યું કે, ભાજપના મહેનતુ કાર્યકરોના પ્રયાસો પર તેમને ગર્વ છે.