Rajkot Gamezone Fire: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ મોટો ધડાકો કર્યો છે. ફાયર NOCની અરજી વખતે ફાયર સેફટીના ક્યાં ક્યાં સાધનો વસાવવા પડે તેનું ચેક લિસ્ટ આપ્યું હતું. પરંતુ ગેમઝોનના માલીકોએ 'આ તો બહુ મોંઘુ પડે' કહી ફાયર સેફટીના સાધનો વસાવ્યા ન હોતા. સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળી ફાયર સેફટીના સાધનો લેવાનું ટાળ્યું હતું અને આમ ભયંકર ગુનાહિત બેદરકારી SIT તપાસમાં ઓન પેપર સાબિત થઈ ચૂકી છે.


તો આ તરફ ગેમઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ બાદ હવે રાજકોટના કોર્પોરેટરોની પૂછપરછ થઈ શકે છે. મનસુખ સાગઠીયા સાથે સાંઠગાંઠને લઈ SIT કોર્પોરેટરોને સવાલ કરી શકે છે. રાજકોટના 6 કોર્પોરેટર અને નેતાઓની થઈ શકે છે પૂછપરછ. ગમે ત્યારે નેતાઓનાં નામ SIT માં ખૂલવાની સંભાવના છે.


રાજકોટના નાનામવા રોડ પરના TRP ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુઆંક સત્તાવાર રીતે 28 હોવાનું સરકારે જાહેર કર્યું છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે DNA ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી. 


રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત 10 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.  જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત 10 વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.   


ACBની ટીમે સાગઠીયાની ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.  જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ એસીબીનું રાજકોટમાં મહા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.  ટીપીઓ  સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબીએ અગ્નિકાંડના તમામ આરોપી અધિકારીઓની ઓફિસ,મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 


રાજયભરને હચમચાવનાર આ અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી સીટ રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી  ઉપરાંત  ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત ચારની ધરપકડ કરી હતી.