રાજકોટ: રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી પર તળપદી ભાષામાં આકરાં પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઓલાની પીન રાફેલ પર ચોંટી ગઈ છે તેને ઉંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ રાફેલ રાફેલ જ કરે છે.
પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ઓલાની પિન રફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તો પણ રાફેલ રાફેલ જ કરે, અંબાણી ને માત્ર 800 કરોડનું કામ મળ્યું છે 800 કરોડની ગ્રાન્ટ નથી આપી ભાજપ સરકારે. 800 કરોડના કામમાં 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કેમ થાય? અંબાણી પરિવારનું સામ્રાજ્ય મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાંનું છે. અંબાણી પરિવાર માત્ર ગુજરાતી હોવાથી તેને કોંગ્રેસના નેતાઓ ટાર્ગેટ કરે છે.
રૂપાલાએ કહ્યું હતું કે, વિપક્ષ પાસે વડાપ્રધાન પદ માટેના કોઈ ઉમેદવાર નથી અને ચૂંટણી લડવા નિકળા છે, જાન નીકળી છે પણ વરરાજાની ગાડી નથી, એક જ પાર્ટી એવી છે જેમાં વરરાજો આગળ છે અને પાછળ જાન છે તે ભાજપ પાર્ટી છે.
આખી દુનિયામાં નરેન્દ્રભાઈનો વટ ત્યારે પડે છે જ્યારે તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે. આ તકે પુરષોતમ રૂપાલાએ મોદીને બાપુજી ગણાવ્યા હતા. અભિનંદનને 24 કલાકમાં છૂટવાનું કારણ બાપુજીનો તાપ હોવાનું ગણાવ્યું હતું. બાપુજીના તાપથી છૂટેલા અભિનંદનની કોઈ વાત નહીં.