નવી દિલ્હીઃ પોતાની દિલેરીથી પાકિસ્તાનને ધૂળ ચટાડનાર વાયુસેનાના પંજાબ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પોતાના સ્કવાડ્રનમાં પરત ફર્યા છે. વિતેલા મહિને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ અને બે દિવસ બાદ ભારતને પરત સોંપવામાં આવેલ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શ્રીનગરમાં પોતાના સ્ક્વાડ્રનમાં પરત ફર્યા છે. જોકે, તે ચાર સપ્તાહ માટે સીક લીવ પર હતા.




દિલ્હી સ્થિત આર આર હોસ્પિટલમાં થયેલા ડીબ્રીફિંગના થોડા દિવસ પછી વિંગ કમાંડર અભિનંદનને ચાર અઠવાડિયા સુધી મેડિકલ લીવ પર રહેવાની સલાહ ડોક્ટર્સે આપી હતી. વાયુ સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ‘સીક લીવ દરમિયાન તેમની પાસે ચેન્નઈ સ્થિત ઘર જવાનો વિકલ્પ હતો. જ્યાં તેમના માતા-પિતા રહે છે. જોકે, તેમણે શ્રીનગર જવાનો નિર્ણય કર્યો જ્યાં તેમની ટીમ ઓપરેશન માટે તૈયાર છે.’



સૂત્રોએ જણાવ્યું કે, ‘આ સમયે તેમણે શ્રીનગર સ્થિત પોતાની ટીમ અને મશીન સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેમને મેડિકલ બોર્ડના રિવ્યૂ માટે દિલ્હી આવવું પડશે. જ્યાં તેમને જણાવવામાં આવશે કે તેઓ વિમાન ઉડાવવા માટે ફિટ છે કે નહીં’ સૂત્રએ જણાવ્યું કે પોતાની મેડિકલ લીવ કઈ રીતે પસાર કરવા ઈચ્છે છે તે નિર્ણય કરવાનો વિકલ્પ તેમની પાસે જ છે.