મહેસાણા: સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને કડીના યુવાન તરૂણ ગજ્જરે જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. તરૂણ ગજ્જર અને મહેસાણા સાંસદ જયશ્રીબેનની તસવીર પાસ દ્વારા જાહેર કરવામાં આવી છે. હાર્દિક પટેલ પર ભાજપે હુમલો કરાવ્યો છે તેવો પાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

જોકે આ મામલે સાંસદ જયશ્રીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. જયશ્રીબેન પટેલે આ સમગ્ર મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે, મારા ઉપર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી જેના કારણે કોંગ્રેસ રઘવાઈ થઈ છે.

હાર્દિક પટેલ પર હુમલો થયો અનેતે હુમલા પાછળ ભાજપ અને મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલના ઈશારે હુમલો થયો હોઈ તેવા આક્ષેપ થયા છે. ત્યારે આ મુદ્દે મહેસાણા ભાજપના સાંસદ જયશ્રીબેન પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ હુમલો થયો તે હું વખોડું છું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગેસ અને હાર્દિક પટેલ રઘવાયા થયા છે હું જનતાની પ્રતિનિધી છું અને જનતા વચ્ચે રહું છું તો મારા ફોટા દરેક જોડે હોઈ શકે તેનો અર્થ એ ન હોઈ શકે કે આ હુમલો મેં કરાવ્યો છે. આ હાર્દિક પટેલની અસમજ છે.

હાર્દિક પટેલ પર વઢવાણના બલદાણા ગામે હુમલો કરનાર યુવક તરૂણ ગજ્જર કડીના જાસલપુર ગામનો રહેવાસી છે. તરૂણ પોતે ખેતીવાડી અને એસ્ટેટ બ્રોકરનું કામકાજ કરે છે. હાલમાં તે પત્ની સાથે કડીના કરણનગર વિસ્તારમાં રહે છે. ભાજપ પક્ષ સાથે સંકળાયેલો છે અને જાસલપુર શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતનો સભ્ય પણ હોવાનું જાણવા મળ્યું છે અને તેનો પરિવાર એનઆરઆઈ છે.