નવી દિલ્હીઃ ભારતીય  જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 24 ઉમેદવારોની 18મી યાદી જાહેર કરી છે. પાર્ટીએ હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ બેઠક છિંદવાડાથી નાથન શાહને ટિકિટ આપી છે. નાથન શાહની ટક્કર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના  દીકરા નકુલનાથ સાથે થશે. જ્યારે ઉત્તરપ્રદેશની ફૂલપુર બેઠક પરથી કેસરી પટેલને ભાજપે ટિકિટ આપી છે.


પાર્ટીએ  તે સિવાય ઓડિશામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બે ઉમેદવાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની એક-એક વિધાનસભા બેઠકો પર યોજનારી પેટાચૂંટણી માટેના ઉમેદવારોની પણ જાહેરાત કરી છે. છિંદવાડામાં વિધાનસભા પેટાચૂંટણી માટે પાર્ટીએ વિવેક સાહૂને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે રાજસ્થાનના રાજસમંદ લોકસભા બેઠકથી જયપુરની પૂર્વ રાજકુમારી  દીયા કુમારી સિંહને ટિકિટ આપી છે. નોંધનીય છે કે રાજસમંદ બેઠકને લઇને ભાજપમાં ઘમાસાણ છે. ગુલાબ ચંદ કટારિયાનું  જૂથ ઇચ્છતું હતું કે, જો દીયા કુમારી સિંહને જયપુરથી ટિકિટ ના મળે તો રાજસમંદથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. વાસ્તવમાં દીયા કુમારી સિંહ જયપુરથી ચૂંટણી લડવા માંગતી હતી પરંતુ સમસ્યા એ છે કે જયપુર ગ્રામીણ બેઠક પરથી રાજપૂત રાજ્યવર્ધન સિંહ છે. એવામાં બે-બે રાજપૂત ઉમેદવાર જયપુરથી લડી શકે તેમ નથી.