Priyanka Gandhi:લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ રીતે બંને બેઠકોને લઈને છેલ્લા કેટલાય સપ્તાહથી ચાલી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં જોવા મળશે, જ્યારે કિશોરી લાલ શર્માને અમેઠીથી ટિકિટ મળી છે. આ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રાના પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની અફવાઓનો અંત આવી ગયો છે.
વાસ્તવમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી મેદાનમાં જોવા મળી શકે છે. જોકે, શુક્રવારે (3 મે) સવારે જ્યારે પ્રિયંકાનું નામ કોંગ્રેસની યાદીમાં નહોતું આવ્યું, ત્યારે એ વાતની પુષ્ટિ થઈ હતી કે તે અત્યારે ચૂંટણી જંગમાં જોવા નહીં મળે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે પ્રિયંકા ગાંધીનું રાજકીય ભવિષ્ય શું હશે. શું તે હવે પછી ચૂંટણી મેદાનમાં જોવા મળશે? ચાલો જાણીએ આવા સવાલોના જવાબ.
પ્રિયંકા ગાંધીનું શું થશે?
એવું માનવામાં આવતું હતું કે, પ્રિયંકા ગાંધી આ લોકસભા ચૂંટણીથી પોતાની ચૂંટણીની ઇનિંગ શરૂ કરી શકે છે, પરંતુ તેમણે હાલમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. પ્રિયંકા દેશભરમાં કોંગ્રેસના પ્રચારમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહી છે. રાહુલ ગાંધી સાથે ચૂંટણી લડવાથી, કોંગ્રેસના બંને સ્ટાર પ્રચારકો અમેઠી અને રાયબરેલીમાં ફસાઈ ગયા હોત, તેથી વ્યૂહરચના એ હતી કે પ્રિયંકા કેએલ શર્મા (કિશોરી લાલ શર્મા) ને મદદ કરવા અમેઠીમાં જ રહીને દેશભરમાં પ્રચાર કરશે.
જોકે, સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ચૂંટણી લડે. સોનિયાએ આ અંગે બંને સાથે વાત પણ કરી હતી, પરંતુ અંતે નક્કી થયું કે રાયબરેલીથી માત્ર રાહુલ ગાંધી જ ચૂંટણી લડશે. જો રાહુલ કેરળના વાયનાડ અને રાયબરેલી બંને બેઠક પરથી જીતે છે, તો પ્રિયંકા ગાંધી જે સીટ ખાલી કરે છે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પર લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. કોંગ્રેસને વિશ્વાસ છે કે તે તેના ગઢ રાયબરેલી અને અમેઠીમાં ફરીથી ચૂંટણી જીતી શકે છે.