Surat News: સુરતમાં હાર્ટ એટેકે લોકોની ચિંતા વધારી દીધી છે. અહીં છેલ્લા 150 દિવસમાં 138નાં હાર્ટ એટેકથી અચાનક થયેલ મોતના કારણે ચિંતા વધી ગઈ છે. નવીસિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ECG માટે રોજ 10 લોકો આવતા હવે 100 આવે છે. ઓચિંતા મોતમાં મૃતકોના PMના તારણમાં લોહીના ગઠ્ઠા જામી જવાથી મૃત્યુ થતાં હોવાનું સ્પષ્ટ થાય છે.


છેલ્લા 150 દિવસમાં જ શહેરમાં 138 લોકોનાં અચાનક મોત થયાં છે. જેમાં હાર્ટએટેકની શક્યતા હોવાથી લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં ચિંતા વધી છે. સુરત શહેરની સિવિલ અને સ્મીમેરમાં ઈસીજી માટે જ્યાં રોજના 8-10 લોકો આવતાં હતાં. તે સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી 100ની આસપાસ થઈ ગઈ છે.



યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધી ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.


હાર્ટ એટેક શું છે


હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.


યુવાનોના હૃદય આટલા નબળા કેમ થઈ રહ્યા છે?


આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.