નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાના મતદાનને લઇને  ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર 29 એપ્રિલના રોજ મતદાન થશે. જે રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહારની પાંચ, ઝારખંડની  3, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17 અને ઓડિશાની  6, ઉત્તરપ્રદેશની 13, રાજસ્થાનની 13 અને પશ્વિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ લોકસભા બેઠકમાં કુલગામ જિલ્લામાં પણ 29 એપ્રિલના રોજ મતદાન થશે.

29 એપ્રિલના રોજ  બિહારની પાંચ લોકસભા બેઠકમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરમાં  મતદાન થશે. બિહારની બેગુસરાયથી ભાજપના નેતા ગિરિરાજ સિંહ મેદાનમાં છે. તેમની સામે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા  કુમાર છે.

ચોથા ચરણની અન્ય વીઆઇપી ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાં એમપીના મુખ્યમંત્રી કમલનાથના દીકરા નકુલનાથ સામેલ છે. નકુલનાથ છિંદવાડા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં લોકસભાની 543 બેઠકોમાંથી 303 બેઠકો પર મતદાન થઇ ચુક્યું છે. પ્રથમ તબક્કામાં 91, બીજા તબક્કામાં 95 અને ત્રીજા તબક્કામાં 117 બેઠકો પર મતદાન થયું હતું.